એક અહેવાલમાં પશ્ચિમની ગુપ્તચર અને ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર અધિકારીને ટાંકીને આ માહિતી આપવામાં આવી
મોસ્કો
વૈગનર ચીફ યેવગેની પ્રિગોઝીનના મોત બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પર ઘણા સવાલ ઉઠ્યા હતા. અમેરિકાની જાસૂસી એજન્સીના અધિકારીઓએ પ્રિગોઝીનના મોત પાછળ પુતિનનું કાવતરું હોવાનું જણાવ્યું હતું પરંતુ આ આક્ષેપના કોઈ પુરાવા મળ્યા નહોતા. હવે એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પુતિનના ખાસ માણસ ગણાતા દેશની સુરક્ષા પરિષદ સચિવ નિકોલાઈ પેત્રુશેવે પ્રિગોઝિનની હત્યાનો આદેશ આપ્યો હતો.
એક અહેવાલમાં પશ્ચિમની ગુપ્તચર અને ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર અધિકારીને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં પ્રિગોઝિનના મૃત્યુના બે મહિના પહેલા રશિયન સેના સામેના વિદ્રોહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પ્રિગોઝિનના નેતૃત્વમાં જૂન 2023માં રશિયામાં વિદ્રોહનો પ્રયાસ થયો હતો જેને કારણે ક્રેમલિનમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.જો કે, બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની મદદથી પ્રિગોઝિને સમાધાન કરી લીધું હતું. આ કરારના બે મહિના પછી શંકાસ્પદ વિમાન દુર્ઘટનામાં પ્રિગોઝિનનું મૃત્યુ થયું હતું.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિકોલાઈ પેત્રુશેવે બળવા અગાઉ જ યેવગેની પ્રિગોઝીનને જોખમી માની લીધો હતો. વેગનર પ્રમુખ રશિયન સૈન્યના ટોચના અધિકારીઓની ખુલ્લેઆમ ટીકા કરે તે નિકોલાઈ પેત્રુશેવેને પસંદ નહોતું. આ સાથે જ પ્રિગોઝીન હંમેશા ચિંતિત રહેતા હતા. તેમને અંદેશો આવી ગયો હતો કે વૈગનર ગ્રુપ ઘણું શક્તિશાળી થઇ ગયું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નિકોલાઈ પાત્રુશેવ રશિયાના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. આવી સ્થિતિમાં,તેમણે બળવા પછી પ્રિગોઝિનને સજા આપવાનું નક્કી કર્યું અને વ્લાદિમીર પુતિને આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.
વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે પ્રિગોઝિનનું પ્લેન વિસ્ફોટ થયા પછી તરત જ મૃત્યુ થયું હતું, તેમણે ઉમેર્યું હતું કે પ્રિગોઝિને ઘણી ભૂલો કરી હતી અને તેનું પરિણામ તેને મળ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અકસ્માત અંગે તપાસકર્તાઓની વાતને રશિયા ધ્યાને લેશે.