સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યો ત્યારે તેના પગનો સ્કેન કરવામાં આવતા સ્કેનમાં ગ્રેડ-2 લેવલનું ટીયર મળી આવ્યું
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમને સતત 2 ટી20આઈ સિરીઝ જીતાવનાર સૂર્યકુમાર યાદવને પગમાં ગંભીર ઈજા થઇ હતી. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તે ફેબ્રુઆરી મહિના સુધી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકશે નહીં.
મળેલા અહેવાલો મુજબ સૂર્યકુમાર યાદવ ગયા અઠવાડિયે જયારે સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યો ત્યારે તેના પગનો સ્કેન કરવામાં આવ્યો હતો. સ્કેનમાં ગ્રેડ-2 લેવલનું ટીયર મળી આવ્યું હતું. આવી સ્થિતિમાં ઈજાની ગંભીરતાને જોતા તે હવે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે થનારી 3 મેચની ટી20આઈ સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં.
ટી20 વર્લ્ડ કપ2024 પહેલા અફઘાનિસ્તાન સિરીઝ ભારતીય ટીમની છેલ્લી ટી20આઈ સિરીઝ હશે. ભારતીય ટીમ પાસે ટી20 વર્લ્ડ કપપહેલા યોગ્ય કોમ્બીનેશન શોધવાની આ છેલ્લી તક રહેશે. આવી સ્થિતિમાં સૂર્યાની ગેરહાજરી ભારતીય ટીમની ટી20 વર્લ્ડ કપમાટેની તૈયારીઓને એક મોટો ઝટકો છે.
સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રણ મેચોની ટી20આઈ સિરીઝની છેલ્લી મેચ દરમિયાન સૂર્યાને પગમાં ઈજા થઇ હતી. આ સિરીઝની પ્રથમ મેચમાં સૂર્યાએ શાનદાર સદી ફટકારી હતી. બીજી ઇનિંગ દરમિયાન ત્રીજી ઓવરમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેન દ્વારા શોટ મારવામાં આવ્યો જેને રોકીને બોલ થ્રો કરતી વખતે સૂર્યાને ઈજા થઇ હતી. આ પછી તેને ફિઝિયો દ્વારા તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વાઈસ કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ બાકીની મેચમાં ટીમની કમાન સંભાળી હતી. આ મેચ ભારતે 106 રનથી જીતી હતી અને સૂર્યકુમાર યાદવ ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.