પૂર્વ અને વર્તમાન મંત્રીઓથી લઇને સિનિયર પત્રકારોની અંગત જાણકારીઓ જેમ કે જન્મનું વર્ષ, લિંગ અને વેક્સિનેશન સેન્ટર વગેરે સોશિયલ મીડિયા પર વાયરલ
નવી દિલ્હી
ભારત સરકારના કોવિન પોર્ટલ પરનો ડેટા લીક થવાના અહેવાલ આવ્યા છે. કોરોના વેક્સિન લેવા માટે ભારતીય યૂઝર્સે તેમની જે અંગત માહિતીઓ પોર્ટલ પર શેર કરી હતી તે ટેલીગ્રામ એપ પર ઉપલબ્ધ છે. પૂર્વ અને વર્તમાન મંત્રીઓથી લઇને સિનિયર પત્રકારોની અંગત જાણકારીઓ જેમ કે જન્મનું વર્ષ, લિંગ અને વેક્સિનેશન સેન્ટર વગેરે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ અને તેમની પત્ની રિતુ ખનડુરી જે ઉત્તરાખંડના કોટદ્વારથી ધારાસભ્ય છે તે પણ આ ડેટા લીકનો ભોગ બન્યા છે. કેન્દ્ર સરકાર તરફથી આ મામલે તપાસની વાત કહેવામાં આવી છે.
અહેવાલ અનુસાર વેક્સિનેશન માટે ડીટેલ્સ ભરતી વખતે જે ડેટા આપવામાં આવ્યો હતો તે ટેલીગ્રામ એપ પર ઉપલબ્ધ છે. એટલે કે પાનકાર્ડથી લઈને આધાર અને પાસપોર્ટની વિગતો પણ. અહેવાલ અનુસાર ટેલીગ્રામ એપ પર એક બોટ છે ટ્રૂકોલર આ ઓટોમેટિક બોટ પર કોવિન એપમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરતા તમામ વિગતો સામે આવી જાય છે. આટલું જ નહીં જો યૂઝરે તેના મોબાઈલ નંબરથી પરિવારના સભ્યો કે કોઈ અન્ય માટે પણ રજિસ્ટ્રેશન કર્યું હશે તો તેની પણ જાણકારીઓ લીક થઇ રહી છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેલ ગોલખલેએ પણ ટ્વિટર પર અનેક સ્ક્રીનશોટ શેર કર્યા છે. શેર કરાયેલા સ્ક્રીનશોટ્સમાં પાર્ટીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓબ્રાયન, પૂર્વ કેન્દ્રીયમંત્રી પી.ચિદમ્બરમ અને કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ જયરામ રમેશ સહિત અનેક લોકોની ખાનગી માહિતીઓ સામે આવી રહી છે. તેની સાથે અનેક વરિષ્ઠ પત્રકારોની વિગતો પણ જોવા મળી રહી છે.
જો કોવિન એપની વાત કરીએ તો તેમાં લોગિન કરવા માટે ઓટીપીની જરૂર હોય છે. એવામાં યૂઝર્સની અંગત માહિતીઓ આ રીતે લીક થવી અચરજ પમાડે તેવું છે. અગાઉ 2021માં પોર્ટલના હેક થવા અને 15 કરોડ ભારતીયોની અંગત માહિતીઓ લીક થવાના અહેવાલ આવ્યા હતા.