વોર્મ મેચ દરમિયાન આધુનિક તૂર્કિયેના સ્થાપક મુસ્તફા કમાલ અતાર્તુકની તસવીર છાપેલી ટી શર્ટ પહેરવાની ઈચ્છા હતી
રિયાધ
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ગઈકાલે ગલતાસરાય અને ફેનરબાહસ વચ્ચે રમાનાર તૂર્કીશ સુપર કપની ફાઈનલ મેચને સ્થગિત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો રાજકીય પ્રેરિત સૂત્રોવાળા ટી-શર્ટ પહેરવાને લઈને સામે આવ્યો હતો, જ્યાં ખેલાડીઓની રાજકીય સૂત્રોચ્ચારવાળી ટી-શર્ટ પહેરવાની ઈચ્છા હતી.
સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર ઇસ્તંબુલની આ બંને ટીમોની સાંજે કિક ઓફ પહેલા વોર્મ મેચ દરમિયાન આધુનિક તૂર્કિયેના સ્થાપક મુસ્તફા કમાલ અતાર્તુકની તસવીર છાપેલી ટી શર્ટ પહેરવાની ઈચ્છા હતી, જ્યારે તૂર્કિયેના મીડિયાની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાઉદી અધિકારીઓએ આ માંગને સ્વીકારી ન હતી. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આવું શા માટે થયું હતું. આ પછી આ બંને ફૂટબોલ ક્લબોએ અલ-અવ્વલ પાર્ક સ્ટેડિયમમાં સુપર ફાઈનલ કપમાં રમવાનો ઈનકાર કર્યો હતો.
સાઉદી સ્ટેટ ટીવીએ રિયાધ સીઝનના આયોજકોના નિવેદનને ટાંકીને કહ્યું કે ફાઇનલને રદ કરવાનું કારણ ટીમોએ મેચના નિયમોનું પાલન કર્યું ન હતું. નિવેદન અનુસાર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ નિયમો અનુસાર મેચ સમયસર આયેજિત કરવાની અમે આશા રાખતા હતા, જેમાં કોઈપણ પ્રકારના સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ હતો, જે અંગે તૂર્કિયેના ફૂટબોલ ફેડરેશન સાથે ચર્ચા કરી હતી, અને આ અંગેનો કરાર હોવા છતાં બંને ટીમોએ તેનું પાલન કર્યું નહતું, જેના કારણે મેચ યોજાઈ શકી નહતી.
આ મામલે બંને ટીમો અને તૂર્કીશ ફૂટબોલ ફેડરેશન (ટીટીએફ)ના પણ નિવેદન આવ્યા હતા જેમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું હતું કે સંયુક્ત નિર્ણયના પરિણામે ફાઈનલને કેટલીક સમસ્યાઓના કારણે પાછળની તારીખ માટે મુલતવી રાખવામાં આવી છે. હાલમાં ફાઈનલ ક્યારે અને ક્યાં રમાશે તે સ્પષ્ટ નથી. આ ઉપરાંત નિવેદનમાં ફૂટબોલ ફેડરેશન અને સાઉદી અરેબિયાના અધિકારીઓને આ ટૂર્નામેન્ટના આયોજનમાં તેમના પ્રયાસો બદલ આભાર માન્યો હતો. એવા પણ અહેવાલ હતા કે, ફાઇનલમાં તુર્કીના રાષ્ટ્રગીત અને ધ્વજને મંજૂરી આપવામાં આવશે નહીં, પરંતુ ટીટીએફએ અગાઉ કહ્યું હતું કે તે ટુર્નામેન્ટમાં સામેલ થશે.
આ ઘટના તૂર્કિયે અને સાઉદી અરેબિયા વચ્ચે હાલમાં સંબંધોમાં ચાલી રહેલા તણાવ તરીકે પણ જોવામાં આવી રહી છે. ઇસ્તંબુલમાં 2018માં સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ ખરાબ થયેલા સંબંધોને સુધારવાના પ્રયાસો વચ્ચે તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એદોર્ગનને જૂલાઈમાં સાઉદી અરબની મુલાકા કરી હતી, ત્યારે હવે આ ફાઈનલ રદ થતા તૂર્કિયે ફૂટલોલ માટે વિવાદોનો મહિનો બની ગયો છે. ઉલ્લેખનીય છે કે ટોચના સ્તરની ક્લબ અંકારાગુકુના અધ્યક્ષ ફારુક કોકાની એક મેચ પૂરો થયા બાદ રેફરીના ચહેરા પર મુક્કો મારવા બદલ 12 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ ટીટીએફએ કોકા પર કાયમી અને અંકારાગુકુ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
મુસ્તફા કમાલ અતાતુર્ક કે જેમની તસ્વીર છાપેલી ટી-શર્ટના પહેરવાને લઈને વિવાદ થયો તે મુસ્તફા કમાલ પાશા, ગાઝી મુસ્તફા કમાલના હુલામણા નામથી પણ જાણીતા હતા. તે તૂર્કિયેના ક્રાંતિકારી રાજનેતા હતા. તેમણે 1923 થી 1938 સુધી તૂર્કિયેના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી અને ઘણા વ્યાપક પ્રગતિશીલ સુધારા કર્યા હતા, જેમાં તૂર્કિયેને બિનસાંપ્રદાયિક, ઔદ્યોગિક રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું હતું. તેઓ વૈચારિક રીતે બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી હતા અને તેમની નીતિઓ અને સામાજિક-રાજકીય સિદ્ધાંતો ‘કેમલિઝમ’ તરીકે ઓળખાય છે. તેમની લશ્કરી અને રાજકીય સિદ્ધિઓને કારણે અતાતુર્કને 20મી સદીના સૌથી મહત્વપૂર્ણ રાજકીય નેતાઓમાંના એક ગણવામાં આવે છે.