230 યુક્રેનના સૈનિકો અને રશિયાના 248 સૈનિકોની ઘરવાપસી
મોસ્કો
દુનિયામાં કોઈ દેશ જે કામ નથી કરી શક્યુ તે યુએઈએ કરી બતાવ્યુ છે.
યુએઈની મધ્યસ્થીના કારણે રશિયા અને યુક્રેન એમ બંને દેશે 478 યુધ્ધ કેદીઓને મુકત કર્યા છે. બંને દેશોએ યુધ્ધ કેદીઓની અદલા બદલી કરી હતી.
યુક્રેનના અધિકારીઓએ રશિયા અ્ને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં પકડવામાં આવેલા 230 યુક્રેની સૈનિકો અને રશિયાએ 248 સૈનિકોની ઘરવાપસી થઈ હોવાનુ કહ્યુ છે.
ફેબ્રુઆરી 2022માં બંને દેશો વચ્ચે યુધ્ધની શરુઆત બાદ યુધ્ધમાં એક જ વખતમાં સૌથી વધારે યુધ્ધ કેદીઓની મુક્તિ યુએઈની દરમિયાનગીરીના કારણે શક્ય બની છે. આમ તો બંને દેશો વચ્ચે યુધ્ધ બાદ પ્રારંભિક તબક્કામાં યુધ્ધ કેદીઓ મુક્ત કરવા માટેની કાર્યવાહી ચાલતી હતી પણ છેલ્લા પાંચ મહિનાથી યુધ્ધ કેદીઓને મુક્ત કરવાની કામગીરી કોઈ કારણોસર બંધ થઈ ગઈ હતી.
જોકે હવે ફરી બંને દેશ યુધ્ધમાં બંદી બનાવાયેલા સૈનિકોને છોડવા માટે સંમત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર યુક્રેનના સૈનિકોનો સેલિબ્રેશનનો વિડિયો શેર કર્યો હતો અને કહ્યુ હતુ કે, આપણા 200 કરતા વધારે સૈનિકો અને નાગરિકો રશિયાની કેદમાંથી આઝાદ થયા છે.
જોકે સૈનિકોની અદલા બદલી પછી પણ બંને દેશો વચ્ચે જંગ યથાવત છે. રશિયાએ ગઈકાલે કીવ અને ખારકીવ શહેર પર એક સાથે 100 મિસાઈલો ઝીંકી હતી તો બીજી તરફ રશિયાએ કહ્યુ હતુ કે, યુક્રેને રશિયાને ટાર્ગેટ બનાવીને લોન્ચ કરેલી 12 મિસાઈલો અમે તોડી પાડી છે.