વર્ષ 2023માં ઇન્ટરનેશનલ લેવલે શાનદાર પ્રદર્શન કરનાર ચાર ખેલાડીઓનું નામ આ યાદીમાં સામેલ
દુબઈ
આઈસીસીએ મેન્સ ટી20આઈક્રિકેટર ઓફ ધ યર 2023 માટે નોમિનેશનની યાદી જાહેર કરી છે. વર્ષ 2023માં ઇન્ટરનેશનલ લેવલે શાનદાર પ્રદર્શન કરનાર ચાર ખેલાડીઓનું નામ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં ભારતીય ટીમનો ટી20 સ્પેશિયાલિસ્ટ ખેલાડી સૂર્યકુમાર યાદવ ટોપ પર છે. સૂર્યા સિવાય ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, યુગાન્ડાના અલ્પેશ રામજાની અને ન્યુઝીલેન્ડના માર્ક ચેપમેનનું નામ પણ નોમિનેટ કરવામાં આવ્યું છે.
સૂર્યકુમાર યાદવ આ વર્ષે પણ આ એવોર્ડ જીતવાનો સૌથી મોટો દાવેદાર છે. સૂર્યાએ વર્ષ 2023માં ટી20આઈની 17 ઇનિંગ્સમાં 48.86ની એવરેજ અને 155.95ની સ્ટ્રાઈક રેટથી 733 રન બનાવ્યા છે. સૂર્યાએ વર્ષ 2023ની શરૂઆત શ્રીલંકા સામે સદી ફટકારીને કરી હતી અને સાઉથ આફ્રિકા સામે 56 બોલમાં સદી ફટકારીને વર્ષનું અંત પણ કર્યું હતું.
સૂર્યકુમાર યાદવને ઝિમ્બાબ્વેના સ્પિન ઓલરાઉન્ડર સિકંદર રઝા ટક્કર આપી રહ્યો છે. રઝાએ વર્ષ 2023માં બોલ અને બેટ બંનેથી કમાલ કરી હતી. તેણે ટી20આઈની 11 ઇનિંગ્સમાં 51.60ની એવરેજ અને 150ની સ્ટ્રાઈકર રેટથી 515 રન બનાવ્યા છે. આ સાથે તેણે 14.88ની બોલિંગ એવરેજથી 17 વિકેટ પણ ઝડપી છે.
ન્યૂઝીલેન્ડનો માર્ક ચેપમેન 19 ઇનિંગ્સમાં 44.3ની બેટિંગ એવરેજ અને 142ની સ્ટ્રાઇક રેટથી 576 રન બનાવીને સૂર્યાને ટક્કર આપી રહ્યો છે. ચેપમેને આ દરમિયાન કેટલીક શાનદાર મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી છે. આ સિવાય યુગાન્ડાના અલ્પેશ રામજાનીએ ગયા વર્ષે T20Iમાં 8.98ની શાનદાર બોલિંગ એવરેજ અને 4.77ના અવિશ્વસનીય ઈકોનોમી રેટ સાથે 55 વિકેટ લીધી છે.