પદની ગરિમાનું ધ્યાનમાં રાખીને પુરીના શંકાચાર્ય સ્વામી નિશ્ચલાનંદનો કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય
પુરી
દેશના લાખો હિન્દુઓની પ્રતિક્ષાનો અંત થોડા દિવસો બાદ આવશે જ્યારે ભગવાન રામલલા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજશે. 22મી જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને જ્યાં દેશભરના શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આને લઈને રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ અને નિવેદનબાજી કરી રહ્યા છે આ વચ્ચે હવે પુરીના શંકાચાર્ય સ્વામી નિશ્ચલાનંદે પણ આ કાર્યક્રમને લઈને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા એક મોટું નિવેદન આપ્યું છે.
શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ બે દિવસ પહેલા રતલામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા ત્યાં તેમણે કહ્યું હતું કે તેઓ અયોધ્યા ખાતે થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓને તેમના પદની ગરિમાનું ધ્યાન છે આ માટે જ આ કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે. તેમણે મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદી દ્વારા રામલલાની મૂર્તિને સ્પર્શ કરવો એ મર્યાદાની વિરુદ્ધ છે અને મર્યાદા પુરૂષોતમની ગરિમાના ઉલ્લંઘનનો સાક્ષી હું બનીશ નહીં.
આ સાથે તેમણે આકરા શબ્દોમાં કહ્યું વડાપ્રધાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરે અને હું ત્યાં ઉભો રહીને તાળીઓ વગાડું. ભગવાન રામના મંદિરમાં મૂર્તિનો અભિષેક શાસ્ત્રો અનુસાર થવો જોઈએ. આ સિવાય શંકરાચાર્યે જણાવ્યું હતું કે તેમને આમંત્રણ મળ્યું છે જેમાં લખ્યું હતું કે આ કાર્યક્રમમાં એક જ વ્યક્તિ આવી શકે છે આ ઉપરાંત કોઈપણ પ્રકારનો સંપર્ક કરવામાં આવ્યો નથી. જો કે છેલ્લે તેમણે એમ પણ કહ્યું હતું કે રામ મંદિર પર કોઈપણ પ્રકારની રાજનીતિ થવી ન જોઈએ.