દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 761 કેસ, 12 જણાનાં મોત

Spread the love

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4334 થઈ, સૌથી ખરાબ સ્થિતિ કર્ણાટક રાજ્યની છે જ્યાં ગઈકાલે 298 નવા કેસ નોંધાયા

નવી દિલ્હી

દેશમાં વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ટેન્શન વધારી દીધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમા છેલ્લા 24 કલાકમાં 761 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી 12 લોકોએ જીવ ગુમાવ્યો છે, જો કે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4334 થઈ ગઈ છે.

ભારતમાં કોરોના ના કેસ ફરી વધવા માંડ્યા છે જેમાં સૌથી ખરાબ સ્થિતિ કર્ણાટક રાજ્યની છે જ્યાં ગઈકાલે 298 નવા કેસ નોંધાયા હતા જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોતના સમાચાર છે, આ સાથે ચિંતાજનક બાબત એ છે કે કોરોનાનો પોઝિટિવ દર પણ 3.46 ટકાથી વધીને 3.82 ટકા થયો હતો. આ સિવાય વધુમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં 298 કેસમાંથી એકલા 172 કેસ બેંગલુરુના છે જ્યારે હસન જિલ્લામાં 19, મૈસુરમાં 18 અને દક્ષિણ કન્નડમાં 11 કેસ નોંધાયા છે. જો કે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4334 થઈ ચૂકી છે. કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં પણ ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે અને ગઈકાલે કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1ના 78 કેસ નોંધાય હતા જ્યારે અહીં અત્યાર સુધીમાં કુલ 110 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 171 નવા કેસ નોંધાયા છે. 

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 5 ડિસેમ્બર સુધી રોજિંદા કેસની સંખ્યા ઘટીને બેવડા અંકોમાં આવી ગઈ હતી જોકે કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યા બાદ ફરી કેસમાં વધારો થવા લાગ્યો.  જ્યારે કોરોના વાયરસની મહામારી ચરમ પર હતી ત્યારે દરરોજ લાખો કેસ આવી રહ્યા હતા. 2020થી અત્યાર સુધી ભારતમાં 4.5 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 5.3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. 

દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે અને નવા વેરિયન્ટ જેએન.1ની જાણકારી મળ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવાની અને સતર્ક રહેવાની સૂચના આપી છે. આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *