અયોધ્યા જવા અંગે કોંગ્રેસના નેતાઓ હજુ પણ અવઢવમાં

Spread the love

કોંગ્રેસના અધ્યક્ષ અયોધ્યા જવા અંગે વહેલી તકે નિર્ણય લેશે


નવી દિલ્હી
ઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકતરફ ભાજપ આ મુદ્દાનો જોરશોરથી લાભ ખાંટવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજીતરફ વિરોધી પાર્ટીઓ કોઈને કોઈ મામલે ભાજપ પર નિશાન સાધવામાં લાગી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીના સમારોહમાં કોંગ્રેસના જવા અંગે અટકળોનો દોર ચાલી રહ્યો છે, જોકે આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહત્વનું નિવેદન આપ્યું છે.
ખડગેએ આજે કહ્યું છે કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે કે નહીં, તે અંગે ટુંક સમયમાં જવાબ આપીશું. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના મુખ્ય મથકે સંવાદદાતા સંમેલનમાં ખડગેને આમંત્રણ અંગે પ્રશ્ન કરાયો હતો, જેમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના પૂર્વમંત્રી સચિવ (મંદિર) ટ્રસ્ટના સચિવ સાથે આવ્યા હતા અને મને આમંત્રણ આપ્યું છે. હું આ મામલે વહેલી તકે નિર્ણય લઈશ.
ખડગે ઉપરાંત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ અપાયું છે. અગાઉ કોંગ્રેસે કહ્યું હતું કે, સમારોહમાં સામેલ થવાનો નિર્ણય યોગ્ય સમયે જાહેર કરાશે.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણ પર કોંગ્રેસના એક મુખ્યમંત્રીની ટિપ્પણી અંગે પૂછવા પર ખડગેએ કહ્યું કે, આ વ્યક્તિગત આસ્થાનો મામલો છે. જો નિમંત્રણ હોય તો તમે જઈ શકો છો, અન્ય લોકો પણ જઈ શકે છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવાના છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને 6000થી વધુ લોકો સામેલ થવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *