ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરીનું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી

નવી દિલ્હી
ઈસરોએ નવા વર્ષે ઈતિહાસ રચી દીધો છે. આદિત્ય-એલ1 લેગ્રેન્જ પોઈન્ટના હેલો ઓર્બિટમાં દાખલ થયું છે. ભારતના પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી (સૌર વેધશાળા)નું અંતર પૃથ્વીથી 15 લાખ કિમી છે. 2 સપ્ટેમ્બર 2023માં શરૂ થયેલી આદિત્ય-L1ની સફર પૂરી થઈ છે. 400 કરોડનું આ મિશન હવે ભારત સહિત સમગ્ર વિશ્વના ઉપગ્રહોને સોલાર સ્ટોર્મથી સુરક્ષિત કરશે.
હવે આદિત્ય-L1 સૂર્યનો અભ્યાસ કરી રહેલા નાસાના ચાર ઉપગ્રહના સમૂહમાં જોડાયું છે. આ ઉપગ્રહ વિન્ડ, એડવાન્સ કમ્પોઝિશન એક્સપ્લોર (એસીઈ) ડીપ સ્પેસ ક્લાઈમેટ ઓબ્ઝર્વેટરી (ડીએસકવર) અને નાસા-ESAના સંયુક્ત મિશન સોહો એટલે કે,સૌર એન્ડ હેલીઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી છે
આદિત્ય-L1 એ સૂર્યનો અભ્યાસ કરવા માટે અવકાશમાં સ્થાપવામાં આવેલી પ્રથમ ભારતીય વેધશાળા છે. ગયા વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી-સી57) એ આદિત્ય સાથે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. પીએસએલવી એ તેને 235 x 19,500 કિમીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યું હતું. ત્યારબાદ તબક્કાવાર રીતે ભ્રમણકક્ષામાં ફેરફાર કરીને આદિત્યને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર લઈ જવામાં આવ્યો હતો. તેના બાદ ક્રૂઝનો તબક્કો શરૂ થયો અને આદિત્ય L1 તરફ આગળ વધી રહ્યો છે.
