લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં ભારતીય સેનાનું બેઝ છે, જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણું મદદરૂપ સાબિત થાય એમ છે
નવી દિલ્હી
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી હતી.
મૈસુરના ટીપુ સુલતાન પણ લક્ષદ્વીપના મિનિકોય ભાગ પર શાસન કરતા હતા. 1799માં ટીપુની હત્યા બાદ આ ટાપુ બ્રિટિશ શાસન હેઠળ આવી ગયું હતું. ભારતનો ધ્વજ લહેરાવ્યા બાદ તેને વર્ષ 1956માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. ભાષાના આધારે, તે અગાઉ ભારતના મદ્રાસ રેસિડેન્સી સાથે જોડાયેલું હતું કારણ કે ટાપુ પરના મોટાભાગના લોકો દક્ષિણ ભાષાઓ બોલતા હતા. વર્ષ 1971માં, લક્કાદીવ-મિનિકોય-અમિનીદિવિ માંથી આ ટાપુઓનું સંયુક્ત નામ લક્ષદ્વીપ કર્યું.
લક્ષદ્વીપનો સૌપ્રથમ ઉલ્લેખ ગ્રીક વિચરતી જાતીઓએ કર્યો હતો. તેમણે આ ટાપુને ખૂબ જ સુંદર અને અસ્પૃશ્ય ગણાવતા કહ્યું કે દરિયાઈ કાચબાનો શિકાર ત્યાં સરળતાથી કરી શકાય છે. સાતમી સદીની આસપાસ, ખ્રિસ્તી મિશનરીઓ અને આરબ વેપારીઓ બંને અહીં આવવા લાગ્યા, જેથી લક્ષદ્વીપમાં ધાર્મિક રંગ બદલાવા લાગ્યો. આ પહેલા અહીં બૌદ્ધ અને હિન્દુઓની વસ્તી હતી. 11મી સદીમાં ડેમોગ્રાફી બદલાઈ ગઈ અને મોટાભાગના લોકોએ ઈસ્લામ અપનાવ્યો. હાલમાં અહીં 95 ટકા વસ્તી મુસ્લિમ છે.
ભારત માટે રાજનૈતિક રીતે લક્ષદ્વીપ ખૂબ જ મહત્વનું સ્થળ છે. લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં ભારતીય સેનાનું બેઝ છે. જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણું મદદરૂપ સાબિત થાય એમ છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ લો ઓફ સી કન્વેન્શન મુજબ કોઈપણ દેશના સમુદ્ર તટથી 22 કિમીનો વિસ્તાર તે દેશના અધિકારમાં આવે છે. જેના કારણે ભારતને હિંદ તેમજ પ્રશાંત મહાસાગરમાં વધુ જગ્યાનો પણ હક મળી રહે છે. લક્ષદ્વીપ માત્ર સેના બાબતે જ નહિ પરંતુ સમુદ્ર માર્ગે થતા વેપાર માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.
લક્ષદ્વીપ ભારતનો ભાગ હોવા છતાં પણ અહીં જવા માટે ભારતીયોને પરમિટની જરૂર પડે છે. ટાપુ પરની 95% વસ્તી એસટી છે. આથી લક્ષદ્વીપ ટુરીઝમની વેબસાઈટ અનુસાર, આ ત્યાં હાજર આદિવાસી જૂથની સુરક્ષા અને તેમની સંસ્કૃતિને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. લક્ષદ્વીપના કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટ મુજબ લક્ષદ્વીપમાં સૈન્યના કર્મચારીઓ, તેમના પરિવારો અને સરકારી અધિકારીઓને જ આ પરમિટમાં છૂટ મળે છે.
આ માટે એક ફોર્મ ભરવાનું રહેશે, જેની ફી 50 રૂપિયા છે. આ સિવાય આઈડી અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની કોપી જરૂરી છે. પરમીટ મળ્યા બાદ પ્રવાસીએ લક્ષદ્વીપ પહોંચીને પોલીસ સ્ટેશનમાં તે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. ટ્રાવેલ એજન્ટની મદદથી કોચીથી પણ પરમિટ બનાવી શકાય છે.