સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી

કરાંચી
મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. આતંકવાદને ફન્ડિંગ કરવાના સાત કેસમાં દોષિત જાહેર થયા બાદ તેને 78 વર્ષની જેલની સજા ફટકારાઈ હોવાની માહિતી મળી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતે પાકિસ્તાનને યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદી હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા અનેક આતંકી કેસોમાં તેને વૉન્ટેડ જાહેર કરાયો છે.
હાફિઝ સઈદને ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરાયો હતો. તે હાલમાં પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં છે અને 12 ફેબ્રુઆરી, 2020 થી 78 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. તેને સાત ટેરર ફન્ડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે તેને 78 વર્ષની જેલની સજા થઈ હતી.