સ્ટુડિયોમાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી, બંદૂકધારીઓએ સ્ટુડિયોમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને બંધક બનાવી લીધા

ગુઆયાકિલ
ઇક્વાડૉરના ગુઆયાકિલ શહેરમાં એક ટીવી સ્ટુડિયોમાં લાઈવ પ્રસારણ દરમિયાન કેટલાક બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા. દરમિયાન સ્ટુડિયોમાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. બંદૂકધારીઓએ સ્ટુડિયોમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. આ ઘટનાનો સોશિયલ મીડિયા વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
પિસ્તોલ અને ડાયનામાઈટ જેવા દેખાતા હથિયારોથી લેસ બંદૂકધારી ગુઆયાકિલમાં ટીવી ટેલિવિઝન નેટવર્કના સેટ પર ઘૂસી ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા કે અમારી પાસે બોમ્બ છે. વીડિયોમાં ગોળીઓનો અવાજ પણ સંભળાય છે. જોકે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
પોલીસ કમાન્ડર સેસર જપાટાએ આ મામલે જાણકારી આપતાં કહ્યું કે હથિયારધારી લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ એક એવું કૃત્ય છે જેને આતંકી કૃત્ય પણ માની શકાય છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલ પોલીસ અધિકારીઓના અપહરણના કેસમાં સજા ભોગવી રહેલા એક શક્તિશાળી ગેંગનો લીડર જેલથી ભાગી ગયો હતો. તેના બાદથી ઈક્વાડૉરમાં હુમલા વધી ગયા છે.
