રાજસ્થાનના પાલી જિલ્લામાં સુમેરપુર નજીક નેશનલ હાઈવે પર આજે સવારે આ ઘટના બની
પાલી
ગુજરાતમાંથી શેક્ષણિક પ્રવાસે ગયેલી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે વિદ્યાર્થીઓ સહિત 21 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બસની ટક્કર એક ડામર ભરેલા ટ્રક સાથે થઈ હતી. આ અકસ્માતની ઘટના એટલી ભીષણ હતી કે બસનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના પાલી જિલ્લામાં સુમેરપુર નજીક નેશનલ હાઈવે પર આજે સવારે આ ઘટના બની હતી. અહીં પાલડી જોડ નજીક શાળાના બાળકોને લઈ જતી બસ હાઈવેની વચ્ચે ઉભેલા ડામરથી ભરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. બસમાં શાળાના બાળકો અને સ્ટાફ સહિત 52 લોકો સવાર હતા. ખેરાલુની શ્રી સી એન વિદ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના બાળકો સાથે જોધપુર-જેસલમેર માટે શૈક્ષણિક પ્રવાસ પર નીકળી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શિવગંજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. ઘટનાને પગલે બાળકોના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.