કોર્ટે તમામ રાજ્યોને ડેટા આપવા 6 અઠવાડિયાનો સમય આપ્યો, જો રાજ્યો સૂચનાનું પાલન નહીં કરે તો 10 હજારનો દંડ ફટકારાશે, આ મામલે આગામી સુનાવણી એપ્રિલમાં હાથ ધરાશે

નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે આજે રાજ્યમાં ઓછી જનસંખ્યા ધરાવતા જ્ઞાતિના લોકોને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે કેન્દ્રને ડેટા ન આપનાર રાજ્યો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે તમામ રાજ્યોને ડેટા આપવા 6 અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે, જો રાજ્યો સૂચનાનું પાલન નહીં કરે તો 10 હજારનો દંડ ફટકારાશે. હવે આ મામલે આગામી સુનાવણી એપ્રિલમાં હાથ ધરાશે.
ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી રાજ્યમાં ઓછી જનસંખ્યા ધરાવતા જ્ઞાતિના લોકોને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે, ‘હિન્દૂ 9 રાજ્યોમાં વસ્તી મુજબ લઘુમતી છે, પરંતુ સત્તાવાર દરજ્જો ન મળતા તેમને શૈક્ષણિક સંસ્થા ખોલવાનો અને ચલાવવાનો હક નથી. ઉપરાંત તેમણે સરકારી સહાય પણ મળતી નથી.’ આ મામલે કોર્ટે સૂચના આપી હતી કે, કેન્દ્ર સરકાર રાજ્યો પાસેથી જરૂરી ડેટા મેળવી જવાબ દાખલ કરે.
કેન્દ્રએ દલીલ કરી હતી કે, ‘અમને અત્યાર સુધીમાં 24 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશે ડેટા આપ્યો છે, પરંતુ હજુ સુધી અરૂણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, લક્ષદ્વીપ, રાજસ્થાન અને તેલંગણાએ ડેટા આપ્યો નથી.’
સુપ્રીમ કોર્ટે ડેટા ન આપનાર રાજ્યોને 2 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા સૂચના આપી છે.
ભારતના 8 રાજ્યોમાં 50 ટકાથી પણ ઓછી હિન્દૂ વસ્તી હોવાથી ત્યાં તેઓ લઘુમતી શ્રેણીમાં છે. આ મામલે વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મણિપુર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.