22 જાન્યુઆરી સુધીમાં દેશના તીર્થસ્થળો અને મંદિરોને સાફ કરી અને સ્વચ્છતા અભિયાન ચલવાવા અપીલ
નાસિક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમણે નાસિકમાં 27માં નેશનલ યૂથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. આ પછી પીએમ મોદીએ નાશિકમાં ગોદાવરી નદીના કિનારે સ્થિત રામકુંડમાં પૂજા કરી હતી. હાલ પીએમ મોદી નાસિકમાં નેશનલ યૂથ ફેસ્ટિવલમાં સંબોધન કરી રહ્યા છે ત્યારબાદ તેઓ ટૂંક સમયમાં રાજ્યમાં રૂ. 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું.
વડાપ્રધાન મોદીએ અરબિંદોની કહેલી વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો ભારતે પોતના લક્ષ્યો હાંસલ કરવા હોય તો દેશના યુવાનોએ સ્વતંત્ર વિચાર સાથે આગળ વધવું પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે ભારતની આશા ભારતના યુવાનોના ચરિત્ર અને પ્રતિબદ્ધતા પર ટકેલી છે. આ બંને મહાપુરુષોનું માર્ગદર્શન આજે પણ ભારતના યુવાનો માટે મહાન પ્રેરણા છે.
વડાપ્રધાને સ્વચ્છતા અંગે વાત કરતા કહ્યં હતું કે 22 જાન્યુઆરી સુધીમાં આપણે બધા દેશના તીર્થસ્થળો અને મંદિરોને સાફ કરીએ અને સ્વચ્છતા અભિયાન ચલવાવવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આજે મને કાલારામ મંદિરની મુલાકાત લેવાનો અને મંદિર પરિસરની સફાઈ કરવાની તક મળી છે ત્યારે હું દેશવાસીઓને આગ્રહ કરીશ કે તેઓ દેશના તમામ મંદિરો અને તીર્થક્ષેત્રોમાં સ્વચ્છતા અભિયાન ચલાવે અને રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પોતાનું શ્રમ દાન કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને સંબોધતા કહ્યું કે આજનો દિવસ ભારતની યુવા શક્તિનો દિવસ છે. આ દિવસ એ મહાપુરુષને સમર્પિત છે જેમણે ગુલામીના સમયગાળા દરમિયાન ભારતને નવી ઉર્જાથી ભરી દીધું હતું. એ મારું સૌભાગ્ય છે કે હું સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર નાસિકમાં છું. હું આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.