ઉત્તર કોરિયાએ પીપલ્સ એસેમ્બલીના 10માં સંસદીય સત્રમાં દક્ષિણ કોરિયા સાથે સંબંધો જાળવી રાખતી એજન્સીઓને નાબૂદ કરવાનો નિર્ણય લીધો

પ્યોંગયાંગ
ઉત્તર કોરિયાએ પીપલ્સ એસેમ્બલીના 10માં સંસદીય સત્રમાં દક્ષિણ કોરિયા સાથે સંબંધો જાળવી રાખતી એજન્સીઓને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનનું કહેવું છે કે દક્ષિણ કોરિયાને બંધારણમાં દુશ્મન નંબર વન તરીકે નોંધવામાં આવે.
સોમવારે પ્યોંગયાંગમાં આયોજિત 14મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી (એસપીએ)ના 10માં સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને દક્ષિણ કોરિયાને પ્યોંગયાંગનો મુખ્ય દુશ્મન ગણાવ્યો હતો. ઉત્તર કોરિયાએ જે એજન્સીઓ સાથે સંબંધો ખતમ કરવાનો નિર્ણય લીધો છે તેમાં ફાધરલેન્ડના શાંતિપૂર્ણ પુનઃ એકીકરણ માટેની રાષ્ટ્રીય સમિતિ, રાષ્ટ્રીય આર્થિક સહકારની જવાબદારી સંભાળતી એજન્સી અને માઉન્ટ કુમગાંગ ટ્રાવેલ પ્રોજેક્ટનું સંચાલન કરતી એજન્સીનો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયા એવી એજન્સીઓને ખતમ કરશે જે ફક્ત આંતર-કોરિયન સંવાદ અને સહકારને પ્રોત્સાહન આપવા માટે અસ્તિત્વમાં છે. ઉત્તર કોરિયાની કેબિનેટ અને સંબંધિત સંસ્થાઓ સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીના નિર્ણયને લાગુ કરવા માટે જરુરી પગલાં લેશે.
આ પહેલા ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને ગયા અઠવાડિયે જ દક્ષિણ કોરિયાને પ્યોંગયાંગનો મુખ્ય દુશ્મન ગણાવ્યો હતો અને સાથે સાથે એમ પણ કહ્યું કે તેનો યુદ્ધ ટાળવાનો કોઈ ઈરાદો નથી. તેણે દક્ષિણ કોરિયાને ધમકી આપી હતી કે જો તે ઉત્તર કોરિયા સામે બળનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ખતમ કરી દેવામાં આવશે.
