ઈસ્લામિક સ્ટેટને ટાર્ગેટ કરવા માટે સિરિયા પર પણ મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યા
તહેરાન
ઈરાને ઈરાકના કુર્દિસ્તાનમાં મિસાઈલ સ્ટ્રાઈક કરીને ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદના હેડક્વાર્ટરને ટાર્ગેટ કર્યુ હોવાનો દાવો કર્યો છે.
ઈરાનના મીડિયાના કહેવા અનુસાર કુર્દિસ્તાનમાં જાસૂસી કેન્દ્રો તેમજ ઈરાન વિરોધી શક્તિઓને ખતમ કરવા માટે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે ઈસ્લામિક સ્ટેટને ટાર્ગેટ કરવા માટે સિરિયા પર પણ મિસાઈલ લોન્ચ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઈરાકના કુર્દિસ્તાનની રાજધાની એરબિલથી 40 કિલોમીટર દૂર આવેલા અમેરિકન કોન્સ્યુલેટ તેમજ નજીકના રહેણાંક વિસ્તારો વિસ્ફોટથી ધણધણી ઉઠયા હતા.
બે અમેરિકન અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજ્નસીને કહ્યુ હતુ કે, આ હુમલામાં અમેરિકાની કોઈ ઈમારતને નુકસાન થયુ નથી. બીજી તરફ આ હુમલામાં ચાર નાગરિકો માર્યા ગયા છે અને 6 ઘાયલ થયા છે. મૃતકોમાં કરોડપતિ કુર્દ વ્યવસાયી અને તેમના પરિવારનો સભ્યોનો સમાવેશ થાય છે. મરનાર પેશ્રા દિજાયી કુર્દિસ્તાનના રિયલ એસ્ટેટના મોટા વેપારી મનાતા હતા.
મિસાઈલ હુમલા બાદ એરબિલ એરપોર્ટ પર વિમાનોની અવર જવર રોકી દેવામાં આવી હતી.