પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કોમ્યુનિકેશન વ્યવસ્થા હોવા છતા આ પ્રકારનુ કૃત્ય ઈરાને કર્યુ છે જે ચિંતાજનક, ગંભીર પરિણામની ધમકી
ઈસ્લામાબાદ
ઈરાને પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક બાદ દુનિયામાં જ નહીં પણ પોતાના લોકો સમક્ષ પણ પાકિસ્તાની સરકાર અને સુરક્ષાદળોનો ફજેતો થયો છે.
બહાવરા બનેલા પાકિસ્તાને હવે ઈરાનને આ એર સ્ટ્રાઈકના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી આપી છે. આજે સવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, ઈરાને કોઈ કારણ વગર પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘૂસીને હુમલા કર્યા છે અને તેમાં બે બાળકોના મોત થયા છે તેમજ ત્રણ બીજા બાળકો ઘાયલ થયા છે. પાકિસ્તાન ઈરાનની આ કાર્યવાહીની આકરી નિંદા કરે છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન પર હુમલાના ગંભીર પરિણામ આવી શકે છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કોમ્યુનિકેશન વ્યવસ્થા હોવા છતા આ પ્રકારનુ કૃત્ય ઈરાને કર્યુ છે જે ચિંતાજનક વાત છે.
પ્રવક્તા મમુતાઝ બલૂચે આગળ કહ્યુ હતુ કે, પાકિસ્તાન હંમેશા એવુ માને છે કે આતંકવાદ તમામ દેશો માટે ખતરો છે પણ આ પ્રકારની એક તરફી કાર્યવાહી ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સારા સબંધોને જોતા યોગ્ય નથી. તેના કારણે બંને દેશો વચ્ચેના સબંધો અને વિશ્વાસ પર અસર પડી શકે છે. ઈરાને સાવધાનીથી કામ કરવુ જોઈએ.
ઈરાને આ એર સ્ટ્રાઈક બાદ કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાંથી કાર્યરત અને ઈરાનમાં ઘૂસીને છાશવારે આતંકી હુમલા કરતા સંગઠન જૈશ અલ અદલને અમે ટાર્ગેટ કરવા માટે આ કાર્યવાહી કરી હતી અને તેમાં મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા હતા. આ સંગઠનના બે આશ્રય સ્થાનોને હુમલામાં નષ્ટ કરવામાં આવ્યા છે. જોકે ઈરાનની એર સ્ટ્રાઈકથી સમસમી ગયેલુ પાકિસ્તાન જો ધમકીનો અમલ કરીને ઈરાન પર વળતી કાર્યવાહી કરશે તો બંને દેશ વચ્ચેના સબંધો વધારે વણસી શકે છે.