ટ્રમ્પે વિવેક રામાસ્વામીના ભરપૂર વખાણ કરીને કહ્યું કે, વિવેકનું સમર્થન દર્શાવી રહ્યું છે કે તે લાંબા સમય સુધી મારી સાથે કામ કરવાના છે
વોશિંગ્ટન
અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાંથી ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ પોતાનુ નામ પાછુ ખેંચીને ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો જાહેર કર્યો છે.
જેનાથી ટ્રમ્પના સમર્થકોની સાથે સાથે ટ્રમ્પ પોતે પણ ઉત્સાહીત જોવા મળી રહ્યા છે. તેમણે વિવેક રામાસ્વામીના ભરપૂર વખાણ કરીને કહ્યુ છે કે, વિવેકનુ સમર્થન દર્શાવી રહ્યુ છે કે તે લાંબા સમય સુધી મારી સાથે કામ કરવાના છે.
અમેરિકામાં ચાર તબક્કામાં ચૂંટણી માટેની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. બીજી તરફ રિપબ્લિકન અ્ને ડેમોક્રેટ પાર્ટીઓમાં પણ ઉમેદવારની પસંદગી માટેની આંતરિક ચૂંટણીઓ ચાલી રહી છે. આયોવા રાજ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીના સમર્થકોએ વિજેતા બનાવ્યા છે ત્યારે આ રાજ્યમાં ચોથા નંબરે રહેલા વિવેક રામાસ્વામીએ ગઈકાલે જ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનુ એલાન કરીને ટ્રમ્પને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
એ પછી અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યમાં યોજાયેલી એક રેલીમાં ટ્રમ્પ અને રામાસ્વામી વચ્ચે મુલાકાત થઈ હતી અને ટ્રમ્પે વિવેકનો આભાર માનતા કહ્યુ હતુ કે, વિવેકા મારી સાથે લાંબો સમય કામ કરતા રહેશે અને ભારતીય મૂળના આ નેતાનુ સમર્થન મેળવવુ મારા માટે સન્માનની વાત છે.
બીજી તરફ વિવેકનુ કહેવુ છે કે, અમેરિકન ફર્સ્ટની નીતિમાં માનતા ટ્રમ્પથી વધારે સારો વિકલ્પ અમેરિકા પાસે નથી અને લોકોએ ટ્રમ્પનુ સમર્થન કરવુ જ જોઈએ. ટ્રમ્પ 21મી સદીના સૌથી મહાન રાષ્ટ્રપતિ બનશે.