સ્ટાર્ક 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી આઈપીએલ રમ્યો હતો
સિડની
વર્તમાન પેઢીના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંના એક મિચેલ સ્ટાર્કે આઈપીએલ સહિતની ફ્રેન્ચાઈઝી ક્રિકેટથી પોતાને દૂર રાખ્યા છે અને ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગે છે. સ્ટાર્ક માટે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમવું સર્વોપરી છે અને તે આશા રાખે છે કે ભવિષ્યમાં યુવા ક્રિકેટરો પણ આવું જ વિચારશે. સ્ટાર્કના ઘણા સાથી ખેલાડીઓ આઈપીએલ, બિગ બેશ સહિત વિશ્વની ટોચની ટી20 લીગમાં રમી રહ્યા છે પરંતુ સ્ટાર્ક આ લાલચથી દૂર રહ્યો છે.
સ્ટાર્કે કહ્યું હતું કે, મને આઈપીએલમાં આનંદ આવ્યો અને યોર્કશાયર માટે કાઉન્ટી ક્રિકેટ પણ રમી પરંતુ ઓસ્ટ્રેલિયા માટે રમવું મારી પ્રાથમિકતા છે. મને તેનો અફસોસ નથી. પૈસા આવશે અને જશે પણ મને જે તકો મળી તેના માટે હું આભારી છું.
સ્ટાર્કે કહ્યું- ટેસ્ટ ક્રિકેટ સો વર્ષથી વધુ સમયથી રમાઈ રહ્યું છે અને ઓસ્ટ્રેલિયા માટે 500થી ઓછા પુરૂષ ખેલાડીઓ રમે છે જે તેને પોતાનામાં ખાસ બનાવે છે. સ્ટાર્ક વર્ષ 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી આઈપીએલ રમ્યો હતો.
સ્ટાર્કે કહ્યું કે હું ફરીથી આઈપીએલ રમવા માંગુ છું, પરંતુ મારું લાંબા ગાળાનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયા માટે સારું રમવાનું છે, પછી ભલે ગમે તે ફોર્મેટ હોય. ઓસ્ટ્રેલિયાએ ઓવલમાં ભારતને 209 રને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.