આલ્ફાબેટની માલિકીની ગૂગલે તેના વોઈસ આસિસ્ટન્ટ અને હાર્ડવેર વિભાગમાં સેંકડો કર્મચારીઓની છટણી કર્યાના થોડા જ દિવસો બાદ આ મોટું અપડેટ સામે આવ્યું
વોશિંગ્ટન
આ નવું વર્ષ ગૂગલ કર્મચારીઓ માટે ખરાબ સાબિત થશે. જેની પાછળનું કારણ સીઈઓ સુંદર પિચાઈએ વધુ છટણી અંગે આપેલી ચેતવણી છે. જાન્યુઆરી 2024 માં મોટી ટેક કંપનીઓ 7500 કર્નીમચારીઓની છટણી કરી ચૂકી છે. તેમજ એક મીડિયા રિપોર્ટ અનુસાર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આગામી મહિનાઓમાં વધુ છટણીની ચેતવણી પણ આપી છે.
સુંદર પિચાઈએ આ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ‘આ વર્ષે ઘણા વિભાગોમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવશે.’ આલ્ફાબેટની માલિકીની ગૂગલે તેના વોઈસ આસિસ્ટન્ટ અને હાર્ડવેર વિભાગમાં સેંકડો કર્મચારીઓની છટણી કર્યાના થોડા જ દિવસો બાદ આ મોટું અપડેટ સામે આવ્યું છે. પહેલા કરવામાં આવેલી છટણીથી પણ ઘણા વિભાગો પ્રભાવિત થયા હતા અને હજુ વધુ વિભાગો પ્રભાવિત થશે.
અગાઉ જાન્યુઆરી 2023 માં, આલ્ફાબેટે તેના ગ્લોબલ વર્ક ફોર્સમાં 12,000 નોકરીઓ પર કાપ મુકવાની યોજના જાહેર કરી હતી. આ સમગ્ર વર્ક ફોર્સના 6 ટકા હતું. સપ્ટેમ્બર 2023 સુધીમાં કંપની પાસે વૈશ્વિક સ્તરે 1,82,381 કર્મચારીઓ હતા. આ બાબતે સુંદર પિચાઈએ કહ્યું કે, ‘આ ગૂગલના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી છે, પરંતુ તે કંપની માટે જરૂરી છે.’
ગૂગલે જાન્યુઆરી 2024 ના પહેલા બે સપ્તાહમાં સેંકડો કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. ગૂગલે કંપનીના કર્મચારી સ્ટ્રકચરમાં મોટા પાયે સુધાર લાવવા માટે કોસ્ટ કટિંગને ધ્યાનમાં રાખીને આ કર્મચારીઓને છૂટા કરશે. આ સિવાય મોટી ટેક કંપનીઓ દ્વારા AI માં વધુ રોકાણ કરવા માટે હજુ વધુ છટણી કરી શકે છે.