તસવીરમાં શ્રી રામના ચહેરામાં મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી રહ્યું છે
અયોધ્યા
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થાય તે પહેલા સામે આવી છે. તસવીરમાં શ્રી રામના ચહેરામાં મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી રહ્યું છે.
અગાઉ પણ રામલલાની મૂર્તિ જોવા મળી હતી, પરંતુ મૂર્તિ સફેદ કપડાંથી ઢંકાયેલી હતી. આ મૂર્તિ મૈસૂરના મૂર્તિકાર અરૂણ યોગીરાજ દ્વારા બનાવાઈ છે. 51 ઈંચની રામલલાની મૂર્તિને ગુરુવારની વહેલી સવારે મંદિરમાં લવાઈ હતી.
પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સાથે સંકળાયેલા પુજારી અરૂણ દીક્ષિતે મીડિયાને કહ્યું હતું કે, રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં ગુરુવારે બપોરે બિરાજમાન કરાયું હતું. મંદિર નિર્માણની દેખરેખ રાખતી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંત્રોચ્ચાર સાથે રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરાયા હતા.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ઉડુપી પેજાવર મઢના ટ્રસ્ટી શ્રી વિશ્વપ્રસન્ના તીર્થે કહ્યું કે, 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા યોજાશે. તેમણે કહ્યું કે, સુરક્ષા કારણોસર માત્ર આમંત્રિત મહેમાનોને જ ઉદઘાટનના દિવસે મંદિરમાં પ્રવેશવાની મંજૂરી અપાઈ છે. પ્રાણપ્રતિષ્ઠા બાદ બીજા દિવસે પ્રજા માટે મંદિર ખુલ્લુ મુકવાની સંભાવના છે.