રામલલાની મૂર્તિ બાળ સ્વરૂપમાં માતા કૌશલ્યાના ખોળામાં હોવી જોઈએ, જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે તે મૂર્તિ બાળ સ્વરૂપ ન હોવાનો કોંગ્રેસન નેતાનો દાવો
નવી દિલ્હી
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અને હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે અને ભગવાન રામના દર્શન થશે. આ પહેલા ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં રાખવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા દિગ્વિજયે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ‘રામલલાની અસલ મૂર્તિ ક્યાં છે? ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ બાળ સ્વરૂપ નથી.’
અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં ગુરુવારે પ્રભુ રામના બાળ સ્વરૂપ રામલલાની મૂર્તિને પૂજા સંકલ્પ બાદ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. હવે આ મૂર્તિને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે ‘રામલલાની મૂર્તિ બાળ સ્વરૂપમાં માતા કૌશલ્યાના ખોળામાં હોવી જોઈએ, પરંતુ રામ મંદિરમાં જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તે મૂર્તિ બાળ સ્વરૂપ નથી’.
આ અંગે દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ‘હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે રામલલાની એ મૂર્તિ ક્યાં છે જે મૂર્તિ રાખવા પર વિવાદ થયો હતો, અને બીજી મૂર્તિની શું જરુર હતી? આપણા ગુરુ શંકરાચાર્યએ પણ આવું જ સૂચન કર્યું હતું કે ‘રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ બાળ સ્વરૂપમાં અને માતા કૌશલ્યાના ખોળામાં હોવી જોઈએ, પરંતુ જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તેમાં બાળ સ્વરૂપ જેવી લાગતી નથી.’