કોંગ્રેસને 3 લાખથી વધુની કાયદેસરની લેવડ-દેવડના માધ્યમથી અત્યાર સુધી 15 કરોડ રૂપિયા મળ્યા
નવી દિલ્હી
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 પહેલાં ફંડ એકઠું કરવા માટે ડોનેટ ફોર દેશ નામે એક અભિયાનની શરૂઆત કરી હતી. લગભગ 31 દિવસ એટલે કે એક મહિનામાં આ દરમિયાન અભિયાન હેઠળ પાર્ટીને 15 કરોડ રૂ.નું દાન મળ્યું છે.
કોંગ્રેસના ખજાનચી અજય માકણે કહ્યું કે પાર્ટીએ 18 ડિસેમ્બરે અભિયાનની શરૂઆત કરી હતી અને આજે તેનો 31મો દિવસ છે. અમે અત્યાર સુધી આ અભિયાન હેઠળ 15 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે કેમ કે અમારા અભિયાનને 31 દિવસ પૂરાં થઇ ગયા છે. અમને 3 લાખથી વધુની કાયદેસરની લેવડ-દેવડના માધ્યમથી અત્યાર સુધી 15 કરોડ રૂ. મળ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ ડોનેટ ફોર દેશ નામે 18 ડિસેમ્બરે આ અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે પહેલા દિવસે પાર્ટીને 1.38 લાખ રૂ. દાન પણ કર્યા હતા. આ અભિયાનનો ઉદ્દેશ્ય ચાલુ વર્ષે યોજનાર લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે સંસાધનો એકઠા કરવાનો છે.
યુપીમાં કોંગ્રેસને આજ સુધીના ડેટા અનુસાર 75,88,674 રૂપિયા અને ઉત્તરાખંડથી 12,32,422 રૂપિયા દાન મળ્યા હતા. કોંગ્રેસને જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી ડોનેશન મળ્યું છે તેમાં યુપી સાતમા અને ઉત્તરાખંડ 20મા ક્રમે છે. કોંગ્રેસની વેબસાઈટ donateinc.net અનુસાર શુક્રવારે સવારે 05:04 વાગ્યા સુધી કોંગ્રેસને 15 કરોડ 42 લાખ 70 હજાર 596 રૂપિયા દાનમાં મળ્યા હતા.