પંત હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. ભલે તે નેટ પ્રેક્ટિસ માટે પાછો ફર્યો હોય, પરંતુ આટલી મોટી ઈજા બાદ સાજા થવું સરળ નથી, અકસ્માતને કારણે પંતને વધુ કસરત કરવાની સલાહ આપવામાં આવી નથી
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માર્ગ અકસ્માત બાદ અત્યાર સુધી ટીમમાં પરત ફરી શક્યો નથી. પંતના ચાહકો તેને મેદાનમાં રમતા જોવા ઈચ્છે છે. આઈપીએલ 2024 માટે પંતે પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સ તરફથી ખેલાડીઓને ખરીદવા માટે ઓક્શનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ કહેવામાં આવી રહ્યું હતું કે પંત વાપસી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આગામી વર્ષમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાશે. પરંતુ હવે તેની ઈજા પર મોટું અપડેટ મળી રહ્યું છે જેના કારણે રિષભ પંતના ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે.
બીસીસીઆઈના સૂત્રે રિષભ પંતના સ્વાસ્થ્ય પર અપડેટ આપતા જણાવ્યું, “પંતની આઈપીએલમાં વાપસી હજુ નક્કી નથી. તે આઈપીએલ રમી શકે કે ન પણ રમી શકે. પંત હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. ભલે તે નેટ પ્રેક્ટિસ માટે પાછો ફર્યો હોય, પરંતુ આટલી મોટી ઈજા બાદ સાજા થવું સરળ નથી. અકસ્માતને કારણે પંતને વધુ કસરત કરવાની સલાહ આપવામાં આવી નથી, તેથી તે ક્યારે વાપસી કરવા જઈ રહ્યો છે તે હજુ કહી શકાય નહીં.”
બીસીસીઆઈ સુત્રે વધુમાં કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તે ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે તે નિશ્ચિત છે, પરંતુ તે ક્યારે પરત ફરશે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. શક્ય છે કે અડધી આઈપીએલ પૂર્ણ થયા બાદ પંત ટીમમાં વાપસી કરી શકે. બીજી તરફ જો પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ ન બની શકે તો દિલ્હીની કેપ્ટનશીપ કોણ સંભાળશે તે પણ એક મોટો પ્રશ્ન છે. હાલમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, “જો પંત એક પગે પણ બેટિંગ કરી શકે તો તેને ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ.” આવી સ્થિતિમાં પંત વર્લ્ડ કપમાં પરત ફરે છે કે નહીં તેના પર પણ ચાહકોની નજર રહેશે.