સચિનની મુશ્કેલીની જાણ થતાં અધિકારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા, પ્રાણપ્રતિષ્ઠા બાદ પોલીસ અધિકારીએ સચિનની કાર પાર્ક કરવા અંગે એનાઉન્સમેન્ટ કર્યા પછી કારને પાર્કિંગમાં જગ્યા મળી
અયોધ્યા
ભગવાન રામલલાના પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યા બાદ ફિલ્મ, રમત-જગત, વેપાર ઉદ્યોગના ઘણા જાણીતા લોકો અયોધ્યા પહોંચ્યા હતા. લગભગ 8000થી વધુ લોકોને સમારોહમાં સામેલ થવા આમંત્રણ અપાયું છે, જેમાં મુખ્ય રાજકીય નેતા, મોટા ઉદ્યોગપતિ, ફિલ્મ અભિનેતા, ખેલાડીઓ સહિતના મહાનુભાવો સામેલ છે. કારથી અયોધ્યા આવનારાઓ માટે પાર્કિગની વ્યવસ્થા પણ કરાઈ હતી, પરંતુ પાર્કિંગ વ્યવસ્થાથી ઘણા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જેમાંથી એક પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ છે. અયોધ્યામાં પણજી ટોલા મોહલ્લા અને હનુમાન કુંડ પાસે કાર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી.
સચિન તેંડુલકર પાસે હનુમાન કુંડમાં કાર પાર્કિંગ કરવાનો પાસ હતો, પરંતુ તેમની કાર પણજી મોહલ્લાના પાર્કિંગ સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં તેંડુલકરની કારને પાર્કિંગ મળ્યું ન હતું અને તેમની કારને બહાર જ અટકાવી દેવાઈ હતી. તેમની કાર ત્યાં ઘણા સમય સુધી રસ્તાની બાજુએ પડી રહી હતી. સચિનની મુશ્કેલીની જાણ થતાં અધિકારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા બાદ પોલીસ અધિકારીએ સચિનની કાર પાર્ક કરવા અંગે એનાઉન્સમેન્ટ કર્યા બાદ કારને પાર્કિંગમાં જગ્યા મળી.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા ઘણી મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, માધુરી દીક્ષિત રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. આ ઉપરાંત અભિનેત્રી કંગના રનૌત, શેફાલી શાહ, અભિનેતા પવન કલ્યાણ અને રણદીપ હુડ્ડા પણ રવિવારે પહોંચ્યા હતા. જ્યારે પીઢ અભિનેતા રજનીકાંત અને સંગીતકાર શંકર મહાદેવન લખનૌ એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ રોડ માર્ગે અયોધ્યા પહોંચ્યા હતા.