રજત પાટીદાર, સરફરાઝ ખાન, ચેતેશ્વર પુજારા, અભિમન્યુ ઇશ્વરન અને રિંકુ સિંહ વિરાટનું સ્થાન લઈ શકે છે
નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ શરુ થવા જઈ રહી છે. પરંતુ આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીએ આ સીરિઝની પ્રથમ બે મેચથી નામ પાછું ખેંચી લીધું છે. બીસીસીઆઈએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે કોહલીએ અંગત કારણોસર બ્રેક લીધો છે. જો કે હજુ સુધી બીસીસીઆઈએ કોહલીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. પરંતુ કોહલીની જગ્યા લેવા માટે 5 સ્ટાર ખેલાડીઓ દાવેદાર તરીકે દેખાઈ રહ્યા છે.
મધ્યપ્રદેશ માટે રમતા ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવનાર રજત પાટીદાર કોહલીની જગ્યા લઇ શકે છે. તેણે અત્યાર સુધી 55 ફર્સ્ટ ક્લાસ મેચમાં 45.97ની એવરેજથી 4,000 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી અને 22 ફિફ્ટી ફટકારી છે. પાટીદાર ભારત-એ ટીમનો ભાગ છે. હાલમાં જ તેણે ઇંગ્લેન્ડ લાયન્સ સામે 151 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
26 વર્ષીય સ્ટાર ખેલાડી સરફરાઝ ખાન હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે વર્ષ 2020થી ડોમેસ્ટિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મુંબઈ માટે રમતા તેણે 44 મેચોમાં 68.20ની એવરેજથી 3,751 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 13 સદી અને 11 ફિફ્ટી પણ ફટકારી હતી. સરફરાઝ સતત ભારત-એ ટીમનો ભાગ રહ્યો છે. તેણે હાલમાં જ ઇંગ્લેન્ડ લાયન્સ સામે 55 અને 96 રનની ઇનિંગ રમી હતી.
ચેતેશ્વર પુજારા પણ ભારતીય ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે. કોહલીના બહાર થવાથી પુજારાને તક આપવામાં આવી શકે છે. તેણે છેલ્લી મેચ જૂન, 2023માં ડબલ્યુટીસી ફાઈનલ રમી હતી. પુજારાએ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે 43,66, 49, 43 અને અણનમ 243 રનની ઇનિંગ રમી હતી.
અભિમન્યુ ઇશ્વરન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંનો એક છે, જે બંગાળ માટે રન-મશીન રહ્યો છે. તેણે 144 ઇનિંગ્સમાં 6,314 રન બનાવ્યા છે. જેમાં 21 સદી અને 26 ફિફ્ટી સામેલ છે. તેની બાંગ્લાદેશ સામેની પ્રથમ બે મેચની ટેસ્ટ સીરિઝ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. અભિમન્યુ 3 નંબર પર બેટિંગ કરી શકે છે. તે ભારત-એ ટીમનો પણ ભાગ છે.
26 વર્ષીય રિંકુ સિંહે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ફિનિશર તરીકે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. સીમિત ઓવરોની ડોમેસ્ટિક ક્રિકેટ સિવાય રિંકુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ કમાલ કરી છે. તેણે ઘણી વખત ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી હતી. રિંકુએ અત્યાર સુધીમાં 43 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 58.47ની એવરેજથી 3,099 રન બનાવ્યા છે. તેના નામે 7 સદી અને 20 ફિફ્ટી છે. રિંકુને ઇંગ્લેન્ડ લાયન્સ સામે આવતીકાલે રમાનાર ટેસ્ટ માટે ભારત-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.