શરીફની આ ટોપી ગૂચી કંપનીની હોવાનો અને તેની કિંમત એક લાખ રૂપિયા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં એક તરફ ગરીબ લોકોને ખાવાના ફાંફા છે. ઈકોનોમીની નૈયા ડૂબી રહી છે અને બીજી તરફ પાકિસ્તાનનો શાસક વર્ગ જલસા કરી રહ્યો છે અને રાજાશાહી ઠાઠથી જીવી રહ્યો છે.
પાકિસ્તાનમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પોતાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની એક રેલીમાં પહોંચ્યા હતા. આ રેલીની તસવીરોએ પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યુ છે.તેનુ કારણ નવાઝ શરીફે પહેરેલી ટોપી છે.
શરીફની આ ટોપી ગૂચી કંપનીની હોવાનો અને તેની કિંમત એક લાખ રૂપિયા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફ આ વખતે સત્તા મેળવવા માટેના પ્રમુખ દાવેદારો પૈકી એક મનાઈ રહ્યા છે. પાકિસ્તાનના સોશિયલ મીડિયા યુઝર્સ હવે તેમને અને તેમની પાર્ટીને સવાલ પૂછી રહ્યા છે કે, જ્યારે પાકિસ્તાનની ઈકોનોમી ખાડે ગઈ છે અને પ્રજાનો એક મોટો વર્ગ બે વખતના ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે આ પ્રકારે એક લાખ રૂપિયાની ટોપી પહેરવી નવાઝ શરીફને શોભા આપે છે?
કેટલાક યુઝર્સે તો તસવીરો શેર કરીને એવુ પણ દર્શાવ્યુ છે કે, આકરા શિયાળામાં ઘણા લોકો પાસે તો ગરમ કપડા પણ નથી અને શરીફ એક લાખની ટોપી પહેરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
કેટલાકે વળી નવાઝની ટોપીની ડિઝાઈનને લઈને ટોણો મારતા કહ્યુ છે કે, તેમની ટોપી અને પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ધ્વજમાં સમાનતા છે. કદાચ નવાઝ શરીફ આવી ટોપી પહેરીને ઈમરાન ખાનને સપોર્ટ કરવા માટે આડકતરી રીતે સંદેશ આપી રહ્યા છે.