રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર
વિશાખાપટ્ટનમ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીના રોજ વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયા છે. તેમનાં સ્થાને સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સૌરભ કુમાર અને સરફરાઝ ખાન એવા ખેલાડીઓ છે જે હજુ પણ પોતાના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે.
સૌરભ કુમાર ઉત્તર પ્રદેશના બાગપતનો રહેવાસી છે અને તે રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ તરફથી રમે છે. સૌરભે વર્ષ 2022માં ભારત-એ તરફથી ન્યુઝીલેન્ડ-એ સામે 9 વિકેટ ઝડપી કિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. સૌરભ એક ઓલરાઉન્ડર છે અને તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 68 મેચોમાં 27.11ની એવરેજથી 2061 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 12 ફિફ્ટી પણ ફટકારી છે. આ ઉપરાંત તેણે આ દરમિયાન 290 વિકેટ પણ ઝડપી છે.
https://cff939e7bafbd3c2eae54b72d8345546.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html સૌરભ કુમારે 35 લીસ્ટ-A મેચમાં 314 રન બનાવ્યા છે અને 49 વિકેટ લીધી છે. સૌરભ કુમારે વર્ષ 2014માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ મેચમાં સૌરભ કુમારે 92 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત સૌરભે ગયા વર્ષે ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને મેચમાં 10 વિકેટ ઝડપી હતી.
સૌરાષ્ટ્ર સામે પ્રથમ ઇનિંગમાં સૌરભ કુમારે 65 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જયારે બીજી ઇનિંગમાં 43 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી હતી. સૌરભના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
સૌરભ કુમાર આ પહેલા પણ ભારતીય ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે, પરંતુ તેને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. વર્ષ 2022માં ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ માટે પસંદ કરાયેલી ટીમમાં સૌરભ કુમારને સામેલ કરવામાં આવ્યો હતો. આ સિવાય ઈંગ્લેન્ડે છેલ્લે જ્યારે ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટમાં સૌરભ ભારતીય ટીમનો નેટ બોલર હતો.