અમારો ઉદ્દેશ્ય આગામી 2026ની વિધાનસભા ચૂંટણી લડવાનો અને જીતવાનો છે. એ પણ મૂળભૂત રાજકીય ફેરફારો લાવવા માટે, જે લોકો ઇચ્છે છેઃ વિજય
નવી મુંબઇ
સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે. રજનીકાંત પછી વિજયને લોકો સૌથી વધુ પસંદ કરે છે. વિજય તેની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. વિજય ઘણા સમયથી ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને હવે તે રાજકારણમાં પ્રવેશ કરીને તેમના માટે કામ કરવા જઈ રહ્યો છે.
મળતા અહેવાલ પ્રમાણે, સાઉથ સ્ટાર વિજયે લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે પોતાની પાર્ટીનું નામ પણ જાહેર કર્યું છે. વિજયે પોતાની પાર્ટીનું નામ તમિલાગા વેત્રી કઝગમ રાખ્યું છે.
વિજયે પોતાના નિવેદનમાં કહ્યું – અમે અમારી પાર્ટી ‘તમિલાગા વેત્રી કઝગમ’ને રજીસ્ટર કરવા માટે આજે ચૂંટણી પંચને અરજી કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય આગામી 2026ની વિધાનસભા ચૂંટણી લડવાનો અને જીતવાનો છે. એ પણ મૂળભૂત રાજકીય ફેરફારો લાવવા માટે, જે લોકો ઇચ્છે છે.
એક્ટરે લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. તેમણે આ ખુલાસો પણ કર્યો છે. વિજયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, તેઓ 2024ની લોકસભા ચૂંટણી લડવાના નથી અને ન તો આ ચૂંટણીમાં કોઈ પાર્ટીને સમર્થન કરશે. અમે જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક માટે આ નિર્ણય લીધો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા સમય પહેલા વિજયે તેની નવી ફિલ્મ GOATની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રભુદેવા, પ્રશાંત અને અજમલ જોવા મળશે. વિજયે તાજેતરમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું.