71 વર્ષીય ઈમરાન ખાન અને 67 વર્ષીય કુરેશીને હાઈ પ્રોફાઈલ કેદીઓ તરીકે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવશે
ઈસ્લામાબાદ
એમ્બેસીના ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના મામલામાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
તેમને રાવલપિંડની અદિયાલા જેલમાં રાખવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના કહેવા પ્રમાણે ઈમરાન ખાન તેમજ તેમની કેબિનેટના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી હાઈ પ્રોફાઈલ કેદીઓની કેટેગરીમાં આવે છે. આમ છતા તેમને જેલમાં કામ કરવુ પડશે.
પાકિસ્તાની અખબારના અહેવાલ અનુસાર 71 વર્ષીય ઈમરાન ખાન અને 67 વર્ષીય કુરેશીને હાઈ પ્રોફાઈલ કેદીઓ તરીકે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવશે. તેઓ દોષી સાબિત થયા તે પહેલા જેલમાં બીજા કેદીઓ કરતા વધારે સુવિધાઓ આપવામાં આવતી હતી. જેમાં એક્સરસાઈઝ માટે ટ્રેડ મિલનો પણ સમાવેશ થતો હતો.
દોષથી સાબિત થયા બાદ હવે ઈમરાન ખાન અને કુરૈશીને જેલની વર્દીની બે-બે જોડ પહેરવા માટે અપાઈ છે. જોકે અત્યારે તેમની પર બીજા પણ કેસ ચાલી રહ્યા હોવાથી જેલની વર્દી પહેરવાનુ તેમના માટે ફરજિયાત નથી. જોકે તેમને જેલમાં બીજા કેદીઓની જેમ કામ કરવુ પડશે.
સૂત્રોના કહેવા પ્રમાણે તેમને બીજા કેદીઓની સાથે રહીને કરવુ પડે તેવુ કામ નહીં અપાય પણ તેમની સુરક્ષા સચવાય તેવી કોઈ કામગીરી સોંપવામાં આવશે. જેલમાં તેઓ પોતાનુ ભોજન જાતે બનાવી શકશે અને જેલના મેન્યુઅલ પ્રમાણેનુ તૈયાર ખાવાનુ પણ ખાઈ શકશે.
બીજી તરફ ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીને બે મહિલા સહાયક અધિક્ષકની અધ્યક્ષતામાં એક મહિલા પોલીસ કર્મચારીને સોંપવામાં આવ્યા છે. બુશરા બીબીને જેલ પ્રશાસન દ્વારા નિયમ પ્રમાણે જેલનો નાસ્તો, ભોજન આપવામાં આવી રહ્યુ છે. બુશરા બીબી અને ઈમરાન ખાનને બિન ઈસ્લામિક વિવાહના મામલામાં બે દિવસ પહેલા જ કોર્ટે 14 વર્ષની સજા ફટકારી છે.