આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવી રહ્યું છે
સાના
યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રપતિ કાઉન્સિલ એક અનપેક્ષિત પગલું ભરતાં વડાપ્રધાન માઈન અબ્દુલમલિક સઈદને બરતરફ કરી દીધા હતા. તે 2018થી યમનના વડાપ્રધાન હતા. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના નેતૃત્વ હેઠળનું સૈન્ય ગઠબંધન યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોને નિશાન બનાવી હવાઈ હુમલા કરી રહ્યું છે.
આ દરમિયાન અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે યમનની રાષ્ટ્રપતિ કાઉન્સિલે વિદેશમંત્રી અહેમદ અવદ બિન મુબારકને દેશના નવા વડાપ્રધાન જાહેર કર્યા છે. બિન મુબારક સાઉદી અરબના નજીકના મનાય છે. જોકે આ નિર્ણય લેવા પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે 2014થી યમન ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યું છે.
તાજેતરમાં રાતા સમુદ્રમાં ઈઝરાયલ તરફ અવર જવર કરતાં જહાજોને નિશાન બનાવીને વૈશ્વિક વેપાર જગતને મોટો આંચકો આપ્યો હતો. તેણે પેલેસ્ટાઈન અને ગાઝાના લોકોના સમર્થનમાં આ જહાજોને નિશાન બનાવ્યા હતા. જેના પગલે અકળાઈને અમેરિકા અને બ્રિટન સહિત ગઠબંધન સૈન્યએ હવાઈ હુમલા અને જવાબી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.