અનીલ મસીહ બેલેટ પેપર પર સહી કરતી વખતે કેમેરા તરફ જોયા કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં હોબાળો
ચંદીગઢ
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડે આકરી ટિપ્પણી કરતાં તેને લોકતંત્રની હત્યા પણ ગણાવી દીધી હતી. આપ પાર્ટી ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મૂકી રહી છે. આ દરમિયાન જ પ્રિસાઈડિંગ ઓફિસર અનીલ મસીહનો વધુ એક વીડિયો વાયરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
માહિતી અનુસાર અનીલ મસીહ બેલેટ પેપર પર સહી કરતી વખતે કેમેરા તરફ જોયા કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ અનીલ મસીહની કાર્યવાહી સામે સતત સવાલો ઊઠવા લાગ્યા છે. આપ નેતાઓએ સવાલો ઊઠાવ્યાં છે કે શું ચંડીગઢમાં 30 જાન્યુઆરીએ યોજાયેલ મેયરની ચૂંટણી નિષ્પક્ષ હતી?
અગાઉ પણ ચૂંટણી દરમિયાન અનીલ મસીહનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બેલેટ પેપર પર કલમ ચલાવતા દેખાઈ રહ્યા હતા. સુપ્રીમકોર્ટમાં વીડિયો રજૂ કરાયો હતો. જેના બાદ સીજેઆઈએ તેને લોકતંત્રની મજાક ગણાવતાં અનીલ મસીહ સામે કેસ દાખલ કરવાની વાત પણ કહી હતી. તેમણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને ચંડીગઢ મેયરની ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત કરવા પણ કહ્યું હતું. હવે આ મામલે 12 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
આમ આદમી પાર્ટીએ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ધાંધલી કરી ભાજપના ઉમેદવારને જીતાડવાનો આરોપ લગાવ્યો છે. તેનો આરોપ છે કે કોંગ્રેસ-આપ ગઠબંધન પાસે 20 વોટ હોવા છતાં ભાજપના ઉમેદવારને 16 વોટ સાથે વિજેતા જાહેર કરાયા. આ ચૂંટણીમાં 8 વોટ ગેરકાયદે જાહેર કરાયા હતા. જેના લીધે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવાર કુલદીપ કુમાર પાસે 12 જ વોટ રહી ગયા હતા અને તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો.