174 વર્ષના ઈતિહાસમાં 2023નો મે મહિનો ત્રીજો સૌથી ગરમ

Spread the love

એનઓએએએસના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર પૃથ્વીની દરિયાઈ સપાટીનું તાપમાન પણ સતત બીજા મહિને રેકોર્ડ સ્તરે રહ્યું

નવી દિલ્હી

પૃથ્વી પર થઇ રહેલી ગતિવિધિઓથી માનવી ચેતી જાય તો સારું. કેમ કે અવારનવાર વાવાઝોડાં, કાળઝાળ ગરમી, આંધી, અકાળે વરસાદ, ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓને કારણે પૃથ્વી પર માનવતા સામે મોટા પડકાર ઊભા થઇ રહ્યા છે. આ દરમિયાન  નેશનલ સેન્ટર ફોર એન્વાયરોમેન્ટલ ઈન્ફર્મેશન એનઓએએએસના વૈજ્ઞાનિકો દ્વારા જણાવ્યાનુસાર 174 વર્ષના ઈતિહાસમાં 2023નો મે મહિનો વિશ્વમાં રેકોર્ડ ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો.  

એનઓએએએસના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર પૃથ્વીની દરિયાઈ સપાટીનું તાપમાન પણ સતત બીજા મહિને રેકોર્ડ સ્તરે રહ્યું હતું.  મે મહિનાનું સરેરાશ વૈશ્વિક તાપમાન 20મી સદીની સરેરાશ 58.6 ડિગ્રી ફેરનહીટ (14.8 ડિગ્રી સે.) કરતાં 1.75 ડિગ્રી ફેરનહીટ (0.97 ડિગ્રી સે.) વધુ હતું જેના લીધે 174 વર્ષના ઈતિહાસમાં આ મે મહિનો ત્રીજો સૌથી ગરમ મે મહિના તરીકે નોંધાયો હતો. મે 2023 એ સતત 47મો મે અને 20મી સદીની સરેરાશ કરતા વધુ તાપમાન ધરાવતો સતત 531મો મહિનો રહ્યો હતો.

જો ખંડની વાત કરીએ તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં મે મહિનો રેકોર્ડ સૌથી ગરમ મહિનો રહ્યો હતો. જ્યારે આફ્રિકા, એશિયા અને યુરોપમાં પણ આ મે મહિનો તેમના ટોપ-20 ગરમ મહિનાઓમાં સામેલ રહ્યો હતો. જોકે એન્ટાર્કટિકા સરેરાશ મે મહિના કરતાં ઠંડો રહ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *