જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી
નવી દિલ્હી
કેન્દ્રીય કર્મચારીઓ એ દેશમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારને છ અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી આપી છે. આજે નવી દિલ્હીમાં યોજાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઑફ એક્શન (એનજેસીએ)ના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. એનજેસીએના સંયોજક શિવગોપાલ મિશ્રાએ બેઠકની અધ્યક્ષતા કરી છે. બેઠકમાં જણાવાયું કે, અનિશ્ચિતકાળ માટેની હડતાળની નોટિસ આપવા અને હડતાળની તારીખ જાહેર કરવા બે દિવસની અંદર કમિટીની રચના કરાશે.
કેન્દ્રીય તેમજ વિવિધ રાજ્ય સરકારોના કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા ગત વર્ષથી આંદોલન કરી રહ્યા છે. આ માટે ગત વર્ષે ચાર રેલી પણ યોજી હતી. કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ વાત પહોંચાડવા વિવિધ પ્રયાસો કર્યા છે.
ઓપીએસ માટે રચાયેલી એઆઈડીઈએફના સંચાલન સમિતિના વરિષ્ઠ સભ્ય અને એઆઈડીઈએફના મહાસચિવ સી.શ્રીકુમારે કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા ઓપીએસ લાગુ કરવામાં નહીં આવે તો ભાજપે ગંભીર પરિણામ ભોગવવું પડશે. કર્મચારીઓ, પેન્શનરો અને તેમના સંબંધીઓ થઈ આ સંખ્યા 10 કરોડને પાર પહોંચે છે. આ સંખ્યા ચૂંટણીમાં ઉલટફેર કરવા માટે નિર્ણાયક છે.
શ્રીકુમારે કહ્યું કે, દેશના બે મોટા કર્મચારી સંગઠન રેલવે અને સંરક્ષણ (સિવિલ) દ્વારા અનિશ્ચિતકાળ હડતાળ માટે સહમતી આપી દીધી છે. રેલવેના 11 લાખ કર્મચારીમાંથી 96 ટકા કર્મચારી અનિશ્ચિતકાળ સુધી હડતાળ પર જવા તૈયાર છે. આ ઉપરાંત સંરક્ષણ વિભાગ (સિવિલ)ના ચાર લાખ કર્મચારીમાંથી 97 ટકા કર્મચારીએ પણ હડતાળને સમર્થન આપ્યું છે. સ્ટ્રાઈક બેલેટ હેઠળ 400 ડિફેન્સ યુનિટ, 7349 રેલવે સ્ટેશન, વિભાગીય અને ઝોનલ કચેરી, 42 રેલવે વર્કશૉપ અને સાત રેલવે પ્રોડક્શન યુનિટ પર 20 અને 21 નવેમ્બરે વોટ નાખવામાં આવ્યા હતા. ઓપીએસ મુદ્દે વિવિધ કેન્દ્રીય કર્મચારી સંગઠનો તેમજ રાજ્યોના એસોસિએશન પણ એક સાથે આવી ગયા છે.