તહેસીલદારની ઓફિસમાંથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ, આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડિયા પર વાયરલ થયું
મુંબઇ
પુણે જિલ્લાના સાસવડમાં ઇવીએમના કન્ટ્રોલ યુનિટની ચોરી થઈ હતી તેના સંદર્ભમાં ચૂંટણી પંચે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવાનો મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. ત્રીજી ફેબુ્રઆરીએ તહેસીલદારની ઓફિસમાંથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ હતી. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડિયા પર વાયરલ થયું હતું.
ચોરી થઈ હોવાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા કલેક્ટર અને અન્ય અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ચોરીની ઘટના પછી પોલીસે પુણે જિલ્લાના જેજુટી વિસ્તારમાંથી બે વ્યક્તિની બુધવારે ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ કબ્જે લેવાયું હતું. એક ત્રીજા વ્યક્તિને પોલીસ શોધી રહી છે. સાસવડ પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલાની નોંધ લઈ ચૂંટણી પંચે સબડિવિઝનલ ઓફિસર, તહેસીલદાર અને વિસ્તારના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) પાસેથી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કેમ ન થયું તેનો જવાબ માગવા રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે.
તહેસીલદાર વિક્રમ રાજપૂત, સબડિવિઝનલ અધિકારી વર્ષા લાંડગે અને પોલીસ અધિકારી તાનાજી બર્ડેને સસ્પેન્ડ કર્યા હતા. સાસવડ તહેસીલ ઓફિસમાં ૪૦ ઇવીએમ રાખવામાં આવ્યા હતા. જેમાંતી ડેમોયુનિટની ચોરી કરવામાં આવી હતી.
એક ચૂંટણી અધિકારીએ કહ્યું કે મતદાર જાગૃતિ ઝુંબેશ માટે ડેમો ઇવીએમ સ્ટ્રોન્ગરૂમમાં મૂકવામાં આવ્યા હતા. સ્ટ્રોન્ગરૂમની સુરક્ષા માટેના પ્રોટોકોલ્સનું પાલન કરવું જરૂરી હતી. ડબલ લોક સિસ્ટમ છે કે નહીં તેની ઉચ્ચ અધિકારીઓએ તકેદારી લેવાની જરૂરત હતી.