છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઝાલુઝનઈ સામે કાર્યવાહીની અટકળો ચાલી રહી હતી
કીવ
રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના સૈન્યમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આર્મી ચીફ જનરલ વાલેરી ઝાલુઝનઈને પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઝાલુઝનઈ (50) સામે કાર્યવાહીની અટકળો ચાલી રહી હતી.
યુક્રેનના સંરક્ષણમંત્રી રૂસ્તમ ઉમેરોવે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે યુક્રેનના સશસ્ત્ર દળોના નેતૃત્વમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ લેવાયો છે. યુદ્ધની સ્થિતિ ક્યારેય એકસમાન રહેતી નથી. યુદ્ધ બદલાતુ રહે છે અને ફેરફારની જરૂર છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સૈન્ય પ્રમુખ બદલવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં અનેક સંકટનો સામનો કરી રહ્યું છે. જ્યારે રશિયન સૈન્યએ યુક્રેન સામે હુમલાઓ તેજ કર્યા છે, ત્યારે યુક્રેનને અન્ય દેશોથી સહાય મળવા સામે સંકટ તોળાઈ રહ્યું છે અને આ જ કારણે નાગરિકો અને સૈન્ય નેતૃત્વ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે.
અગાઉ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે તેમણે સૈન્ય જનરલ સાથે મુલાકાત કરી હતી અને બે વર્ષ સુધી યુક્રેનનો બચાવ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. જો કે, તે સ્પષ્ટ નથી કે યુક્રેનિયન સૈન્ય અને લોકોમાં લોકપ્રિય આર્મી જનરલ વાલેરી ઝાલુઝનઈએ રાજીનામું આપ્યું છે કે તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે.