બોલર કે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ અપીલ કરી ન હતી, અમ્પાયર પણ દરેક ખેલાડીને લાંબા સમય સુધી જોતો રહ્યો અને આઉટ આપ્યો નહતો
એડિલેડ
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટી20આઈ મેચ ગઈકાલે એડિલેડના ઓવલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 34 રને હરાવ્યું અને 3 મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ દરમિયાન એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં રન આઉટને લઈને થોડો વિવાદ થયો હતો, પરંતુ બાદમાં અમ્પાયરે ખેલાડીને રન આઉટ આપ્યો ન હતો.
વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ્સની 19મી ઓવર ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ક્રિઝ પર અલઝારી જોસેફ અને જેસન હોલ્ડર બેટિંગ કરી રહ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર અલઝારી જોસેફે કવર તરફ શોટ રમ્યો અને સિંગલ લેવા માટે દોડ્યો. ત્યાર પછી સ્પેન્સર જોન્સને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બેલ્સ ઉડાવી દીધા. પરંતુ બોલર કે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ અપીલ કરી ન હતી. અમ્પાયર પણ દરેક ખેલાડીને લાંબા સમય સુધી જોતો રહ્યો, પરંતુ કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ અપીલ કરી નહીં.
કોઈપણ ઓસ્ટ્રેલિયન ફિલ્ડર દ્વારા અપીલ ન કરતા અમ્પાયરે પણ કોઈ નિર્ણય ન આપ્યો. આ પછી જ્યારે ગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન પર રિપ્લે ચલાવવામાં આવ્યો, ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દંગ રહી ગયા. તેઓએ તરત જ અમ્પાયરને અલ્ઝારી જોસેફને આઉટકરાર આપવાની માંગ કરી, પરંતુ અમ્પાયરે નિયમોને ટાંકીને જોસેફને આઉટ જાહેર કર્યો ન હતો. આ વાતચીત દરમિયાન લાંબા સમય સુધી મેચમાં વિક્ષેપ પડ્યો હતો. અંતે અમ્પાયરે જોસેફને નોટઆઉટ જાહેર કર્યો હતો.