રિલાયન્સનો શેર બીએસઈ પર 1.89 ટકા વધીને 52 વીકની હાઈ સપાટી રૂ. 2957.80 પર પહોંચ્યો ત્યારે તેની માર્કેટ કેપે પણ નવો રેકોર્ડ બનાવ્યો
નવી દિલ્હી
મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ જૂથે એક પછી એક સફળતાઓ મેળવી છે અને હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. રિલાયન્સની માર્કેટ કેપિટલ આજે 20 લાખ કરોડને પાર કરી ગઈ છે. ભારતીય શેરબજારમાં આરઆઈએલએ પહેલી કંપની બની છે જેની બજારમૂડી 20 લાખ કરોડનો આંક વટાવી ગઈ છે. આજે રિલાયન્સનો શેર બીએસઈ પર 1.89 ટકા વધીને 52 વીકની હાઈ સપાટી રૂ. 2957.80 પર પહોંચ્યો ત્યારે તેની માર્કેટ કેપે પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો.
છેલ્લા બે અઠવાડિયાની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઈન્ડ.નો શેર એવો વધ્યો છે કે તેની માર્કેટ કેપિટલમાં એક લાખ કરોડનો વધારો થયો છે. 29 જાન્યુઆરીએ RILની માર્કેટ કેપ 19 લાખ કરોડ હતી અને આજે 20 લાખ કરોડનો આંકડો પણ વટાવી દીધો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં 1 જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં રિલાન્સનો શેર 14 ટકા વધ્યો છે.
મુંબઈ સ્થિત રિલાયન્સ જૂથ ઓઈલથી લઈને ટેલિકોમ સુધીના બિઝનેસમાં હાજરી ધરાવે છે. તાજેતરમાં તેના બિઝનેસમાં જિયોના કારણે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ઓગસ્ટ 2005માં આરઆઈએલનો શેર રૂ. 1 લાખ કરોડના માર્કેટ કેપના આંકને આંબી ગયો હતો, ત્યારે તે એક મોટી સિદ્ધિ હતી. ત્યાર પછી નવેમ્બર 2019માં રિલાયન્સે રૂ. 10 લાખ કરોડનો સ્તર પ્રાપ્ત કર્યો હતો. 20 લાખ કરોડની માર્કેટ કેપિટલ સાથે આરઆઈએલ એ ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે તેની તુલનામાં ટીસીએસની માર્કેટ કેપ રૂ. 15 લાખ કરોડ છે. ત્રીજા ક્રમે એચડીએફસી બેંકની માર્કેટ કેપિટલ રૂ. 10.5 લાખ કરોડ, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપ રૂ. 7 લાખ કરોડ અને ઇન્ફોસિસની માર્કેટ કેપિટલ રૂ. 7 લાખ કરોડ છે.
એક્સપર્ટ માને છે કે વર્ષ 2024માં રિલાયન્સ વધુ ઉંચાઈ પ્રાપ્ત કરી શકે છે. જેફરીઝે આ શેર માટે 3140 રૂપિયાનો ટાર્ગેટભાવ આપ્યો છે જ્યારે શેરખાને આ શેરને બાય રેટિંગ આપ્યું છે. અન્ય બ્રોકરેજ સિટીએ રિલાયન્સના શેરને ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. સિટીએ રિલાયન્સના શેર માટે 2910 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે.
રિલાયન્સે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટની જાહેરાત કરી જે બજારની અપેક્ષા મુજબ જ હતા. કંપનીનો ટેક્સ બાદ નફો ત્રિમાસિક ધોરણે 1.2 ટકા ઘટ્યો હતો જ્યારે વાર્ષિક ધોરણે તેમાં 10.3 ટકાનો વધારો થયો હતો. કંપનીએ રૂ. 18,000 કરોડથી વધારે ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
રિલાયન્સના શેરમાં વધારાની સાથે સાથે મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. છેલ્લે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 12મા ક્રમે હતા. 66 વર્ષના અંબાણીની નેટવર્થ 11290 કરોડ અમેરિકન ડોલર હોવાનો અંદાજ છે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી તેમના કરતા એક કદમ પાછળ ગણાય છે.