એલન મસ્કે પોતાની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ દાવો કર્યો હતો અને તે દરમિયાન અમેરિકન સંસદના કેટલાક સભ્યો પણ હાજર હતા
વોશિંગ્ટન
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક એલન મસ્કે સનસનીખેજ દાવો કરતા કહ્યુ છે કે, જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હવે યુક્રેન સામેના જંગમાંથી પીછેહઠ કરી તો તેમની હત્યા થઈ શકે છે.
એલન મસ્કે પોતાની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ દાવો કર્યો હતો અને તે દરમિયાન અમેરિકન સંસદના કેટલાક સભ્યો પણ હાજર હતા.તેમની વચ્ચે અમેરિકા તેમજ બીજા પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનને જે પણ મદદ કરવામાં આવી રહી છે તે યોગ્ય છે કે નહીં તેની ચર્ચા થઈ રહી હતી.
મસ્ક સાથે ચર્ચા કરી રહેલા સાંસદોમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી, રોન જોનસન, જેડી વાન્સ, માઈક લીનો સમાવેશ થતો હતો.આ ચર્ચા દરમિયાન સેનેટર રોન જોનસને કહ્યુ હતુ કે, રશિયા સામે જે લોકો યુક્રેનની જીત થશે તેવુ માની રહ્યા છે તે લોકો સપનાની દુનિયામાં જીવી રહ્યા છે.જેના પર મસ્કે સંમતિ વ્યક્ત કરી હતી .
મસ્કે સાથે સાથે કહ્યુ હતુ કે, પુતિનને યુક્રેન સામેની જંગમાં પીછેહઠ કરવુ પોસાય તેમ નથી.સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે, અમેરિકાના નાગરિકો યુક્રેનની મદદ માટે અમેરિકન સંસદમાં લાવવામાં આવેલા બિલને લઈને પોતાના મત વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરતા સાંસદનો સંપર્ક કરશે.કારણકે આ મદદથી યુક્રેનને કોઈ ફાયદો થવાનો નથી.યુધ્ધ ખેંચીને યુક્રેનનુ ભલુ થવાનુ નથી.
મસ્કે કહ્યુ હતુ કે, પુતિન પર પહેલેથી આ જંગ ચાલુ રાખવા માટે દબાણ છે.જો તેઓ હવે પીછેહઠ કરશે તો તેમની હત્યા પણ થઈ શકે છે.ઘણા લોકો હું પુતિનનુ સમર્થન કરી રહ્યો છું તેવુ માનશે પણ હું જે કહું છું તે વાસ્તવિકતા છે.મારી કંપનીએ તો યુક્રેનને જેટલી મદદ કરી છે તેટલી બીજી કોઈ કંપનીએ નહીં કરી હોય.સ્ટાર લિન્ક કંપનીના ઈન્ટરનેટના કારણે યુક્રેનની સેનાને પોતાની કોમ્યુનિકેશન સિસ્ટમ ચાલુ રાખવા માટે મદદ મળી રહી છે.