એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં પરિણામો જાહેર કરવાની બોર્ડની તૈયારી

ગાંધીનગર
ગુજરાતમાં આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. ધોરણ 10-12ની બોર્ડ (ગુજરાત બોર્ડ)ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે ત્યારે હવે બોર્ડના પરિણામને લઈને મોટી અપડેટ સામે આવી છે. સૂત્રોના અહેવાલ અનુસાર આ વર્ષે બોર્ડનુ પરિણામ એક મહિના પહેલા જાહેર થઈ શકે છે.
આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાનાર છે ત્યારે પરીક્ષાનું પરિણામ એક મહિના પહેલા એટલે કે એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી છે. બોર્ડના વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે.
આ ઉપરાંત ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.