એવા રાજકીય પક્ષો કે જેઓ માત્ર પંચમાં નોંધાયેલા છે પરંતુ માન્યતા નથી, તેઓ દાન એકત્રિત કરીને મની લોન્ડરિંગ અને કરચોરીની રમતમાં સામેલ હોય છે
નવી દિલ્હી
જો તમે પણ રાજકીય પક્ષોને દાન આપતા હોય અને આ ભૂલ કરી રહ્યા છે તો ચેતી જજો, કારણકે આવકવેરા વિભાગે એવા 5 હજાર લોકોને નોટિસ પાઠવી છે જેમણે ચૂંટણી પંચમાં નોંધાયેલા રાજકીય પક્ષોને દાન આપ્યું છે.
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન રાજકીય પક્ષોને દાન આપનારા વ્યક્તિગત કરદાતાઓ અને કોર્પોરેટ કરદાતાઓને નોટિસ પાઠવી છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બે નાણાકીય વર્ષોની તપાસ પછી, અત્યાર સુધીમાં માત્ર 5 હજાર લોકોને નોટિસ પાઠવવામાં આવી છે અને હજુ પણ વધુ લોકોને નોટિસ પાઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવા રાજકીય પક્ષો કે જેઓ માત્ર પંચમાં નોંધાયેલા છે પરંતુ માન્યતા નથી, તેઓ માત્ર લોકો પાસેથી દાન એકત્રિત કરીને મની લોન્ડરિંગ અને કરચોરીની રમતમાં સામેલ હોય છે. આવકવેરા વિભાગે આવા પક્ષોને દાન આપનાર લોકોને આવકવેરા કાયદાની કલમ 80જીજીસી હેઠળ નોટિસ પાઠવી છે.
આ ઉપરાંત અહેવાલના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં આવા પક્ષોને દાન આપનારાઓની ચકાસણી હજુ સુધી કરવામાં આવી નથી. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કરદાતાઓએ લગભગ 20 રાજકીય પક્ષોને દાન આપ્યું છે જે ફક્ત ચૂંટણી પંચમાં નોંધાયેલા છે પણ માન્ય પક્ષ નથી. આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક દાતાઓના દાન અને તેમની આવક વચ્ચે કોઈ યોગ્ય મેળ થતો નથી. આવકવેરા વિભાગના અધિકારીઓને શંકા છે કે આવા દાન માત્ર કર મુક્તિ મેળવવા માટે કરવામાં આવ્યા હતા અને દાનમાં આપેલી રકમ રોકડમાં પાછી લેવામાં આવી હતી.
આ સિવાય કેટલાક કિસ્સાઓમાં, દાતાઓએ તેમની કુલ આવકના 80 ટકા અજાણ્યા રાજકીય પક્ષોને દાનમાં આપ્યા હતા. નોંધનીય છે કે આવકવેરા કાયદાના નિયમો અનુસાર, ચૂંટણી પંચ દ્વારા નોંધાયેલ અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને દાન આપનારા કરદાતાઓ દાનની રકમ પર 100 ટકા આવકવેરામાં છૂટનો દાવો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અપ્રમાણિત પક્ષો એવા પક્ષો છે જે ચૂંટણી પંચમાં નોંધાયેલા તો છે પરંતુ કાં તો તે પક્ષ કોઈ ચૂંટણી લડતા નથી અથવા ચૂંટણીમાં યોગ્ય મત મેળવતા નથી.