નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પહેલા કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશેઃ ફારૂક
શ્રીનગર
દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા એ જમ્મુ અને કાશ્મીરની તમામ 5 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમના અચાનક નિર્ણયથી મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ઈન્ડિયાબ્લોકને મોટો ઝટકો આપતા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને શ્રીનગર મતવિસ્તારના હાલના સાંસદ ડૉ. ફારુક અબ્દુલ્લાએ આજે શ્રીનગરમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પહેલા કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. તેમણે તમામ અટકળોને પર પૂર્ણવિરામ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમના આ અચાનક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.
આ પહેલા આપ અને ટીએમસી પાર્ટી ગઠબંધન ઈન્ડિયાને પશ્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હીમાં ઝટકો આપી ચૂકી છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ આસામની 3 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ 80 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 11 બેઠકો આપવાની વાત કરી રહ્યા છે. હવે ફારુક અબ્દુલ્લાના આ નિર્ણયથી ગઠબંધન ઈન્ડિયાવધુ નબળો પડી શકે છે.