કોંગ્રેસને સરકારે પાસે યાત્રા દરમિયાન જ્ઞાનપુરની વિભૂતિ નારાયણ ઈન્ટર કોલેજમાં રાત્રિ રોકાણ કરવાની પરવાનગી ન આપતા સમસ્યા
ચંદૌલી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હવે ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ છે. યાત્રા બિહાર સરહદને અડીને આવેલા ચંદૌલીથી યુપીમાં પ્રવેશી હતી. ચંદૌલીથી શરૂ થયેલી આ યાત્રા બીજા દિવસે ભદોહી પહોંચશે. જો કે અહીં એવી સમસ્યા ઊભી થઈ છે કે જેના લીધે રાહુલ ગાંધીએ આખી રાત ખેતરોમાં વિતાવવી પડશે.
કોંગ્રેસે સરકાર પાસે યાત્રા દરમિયાન જ્ઞાનપુરની વિભૂતિ નારાયણ ઈન્ટર કોલેજમાં રાત્રિ રોકાણ કરવાની પરવાનગી માંગી હતી. જોકે, વહીવટીતંત્રે પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે રાહુલ ગાંધીએ ભદોહીના મુનશી લાટપુર ગામમાં ખેતરોમાં રાત વિતાવવી પડશે. તેમના રહેવા માટે ખેતરોમાં ટેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ અંગે અપર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ રાજેશ ભારતીએ જણાવ્યું હતું કે, વિભૂતિ નારાયણ ઈન્ટર કોલેજમાં 17 અને 18 ફેબ્રુઆરીએ પોલીસ ભરતીની પરીક્ષા યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખી ભારત જોડો ન્યાય યાત્રાને કોલેજ પરિસરમાં રોકાણ કરવાની ના પડાઈ છે.
આ અંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની મુલાકાતને લઈને ભદોહીના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ છેલ્લા એક સપ્તાહથી યાત્રાની તૈયારીમાં વ્યસ્ત હતા અને તેમણે એક સપ્તાહ પહેલા વિભૂતિ નારાયણ ઈન્ટર કોલેજમાં યાત્રા માટે રોકાવાની પરવાનગી માંગી હતી, પરંતુ તેમ છતાં અહીં પરીક્ષા લેવાઈ રહી છે, જ્યારે પરીક્ષા કેન્દ્ર તરીકે અન્ય વિકલ્પો પણ હતા.
રાજેન્દ્ર દુબેએ કહ્યું કે રાહુલ ગાંધી સમગ્ર ન્યાય યાત્રા દરમિયાન કોઈ હોટલ કે રૂમમાં રોકાયા નથી. તે લોકો વચ્ચે ખુલ્લા મેદાનમાં રહે છે. તેવો કોંગ્રેસ દ્વારા દાવો કરાયો હતો. રાહુલ ગાંધી ભદોહી અને મિર્ઝાપુરમાં જનસભા કરશે અને ત્યાંથી પ્રયાગરાજ જવા રવાના થશે.
ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને 67 દિવસમાં 6,713 કિલોમીટરનું અંતર કાપશે. આ સમય દરમિયાન, તે 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા એવા સમયે યોજાઈ રહી છે જ્યારે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.