જયસ્વાલે 12મો છગ્ગો મારતાની સાથે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી
રાજકોટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 434 રનથી ઐતિહાસિક જીત મેળવી હતી. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે તેના ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે શાનદાર બેટિંગ કરતા 236 બોલમાં 214 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 છગ્ગા પણ ફટકાર્યા હતા. જયસ્વાલે 12મો છગ્ગો મારતાની સાથે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. યશસ્વીની આ શાનદાર ઈનિંગ બાદ ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટર એલિસ્ટર કૂકે તેના વિશે મોટું નિવેદન આપ્યું છે.
એલિસ્ટર કુકે કહ્યું, “યશસ્વી જયસ્વાલે એક દિવસમાં આટલા બધા છગ્ગા ફટકાર્યા જેટલા મેં મારા આખા કરિયરમાં નથી ફટકાર્યા.” જણાવી દઈએ કે એલિસ્ટર કૂકે પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી માત્ર 11 છગ્ગા ફટકાર્યા છે. આ સિવાય તેણે 1441 ચોગ્ગા પણ ફટકાર્યા છે. કૂક ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટરમાંનો એક હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ એલિસ્ટર કૂકના નામે છે.
એલિસ્ટર કૂકે ઇંગ્લેન્ડ માટે વર્ષ 2006થી લઈને વર્ષ 2018 વચ્ચે 161 ટેસ્ટ મેચ રમ્યા હતા. આ દરમિયાન તેણે 291 ઇનિંગ્સમાં 45.35ની એવરેજથી 12472 રન આવ્યા હતા. ટેસ્ટમાં તેના નામે કુલ 33 સદી અને 57 ફિફ્ટી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 294 રન છે. વન-ડે ક્રિકેટની વાત કરીએ તો કૂકના નામે 92 વન-ડે મેચોમાં 3204 રન છે. તેનો સર્વોચ્ચ સ્કોર 137 રહ્યો છે. જેમાં કુલ 5 સદી અને 19 ફિફ્ટી સામેલ છે.