મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગૂનમાં થાઈ દૂતાવાસની બહાર અનેક દિવસોથી વિઝા ડૉક્યુમેન્ટ સાથે લોકોની લાંબી લાંબી લાઈનો
યાંગૂન
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. જુંટા સૈન્ય શાસને ત્યાં તમામ યુવક-યુવતીઓ માટે સૈન્ય સેવા આપવી ફરજિયાત કરી દીધી છે. આ નિર્ણયને કારણે યુવાઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને તેઓ દેશ છોડીને ભાગવા મજબૂર થઇ ગયા છે. તેમનું કહેવું છે કે અમે આ ગૃહ યુદ્ધના માહોલમાં મોતને ભેટવા માગતા નથી. એટલા માટે બીજા દેશો તરફ પ્રયાસ કરવા મજબૂર છીએ.
મ્યાનમારમાં ફરજિયાત સૈન્ય સેવાનો નિયમ લાગુ થયા બાદથી એવી નાસભાગ મચી કે મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગૂનમાં થાઈ દૂતાવાસની બહાર અનેક દિવસોથી વિઝા ડૉક્યુમેન્ટ સાથે લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.
જુંટા સૈન્ય શાસને તેના આદેશમાં કહ્યું છે કે 18 થી 35 વર્ષની વયના તમામ પુરુષો અને 18 થી 27 વર્ષની વયજૂથની તમામ મહિલાઓએ ઓછામાં ઓછા 2 વર્ષ સુધી સૈન્યમાં ફરજ બજાવવી પડશે. આ ઉપરાંત 45 વર્ષની વયા ડૉક્ટરો અને અન્ય નિષ્ણાતોએ ત્રણ વર્ષ સુધી સૈન્યમાં ફરજિયાત સેવા આપવી પડશે. આ સાથે એવું પણ કહેવાયું છે કે ઈમરજન્સીની સ્થિતિ હશે તો આ ફરજિયાત સેવાને વધુ 5 વર્ષ માટે આગળ વધારવામાં આવી શકે છે.