આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું કહેવાય છે, ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે ભીડને કાબૂમાં લીધી
સંદેશખાલી
ઘણા દિવસોથી અશાંત સંદેશખાલીમાં ફરી હોબાળો જોવા મળ્યો. ગુસ્સે થયેલા લોકોએ શુક્રવારે સવારે શાહજહાં શેખ સાથે સંકળાયેલા એક ઘરને આગને હવાલે કરી દીધો હતો. આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે ભીડને કાબૂમાં લીધી હતી. રોષે ભરાયેલા લોકોનો આરોપ છે કે પોલીસે વર્ષોથી કંઈ કર્યું નથી, જેના કારણે હવે તેઓ પોતાનું માન અને જમીન મેળવવા માટે કંઇ પણ કરશે.
બીજી બાજુ ભાજપના મહિલા આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ આજે સંદેશખાલીની મુલાકાતે પહોંચ્યું હતું. જ્યાં પ્રતિનિધિમંડળના સભ્યો પીડિત મહિલાઓ અને સ્થાનિક લોકોને મળશે. જો કે, પોલીસે ભાજપના પ્રતિનિધિમંડળને સંદેશખાલી જતા અટકાવ્યા હતા, જેના પગલે ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભાજપના સ્ટેટ યુનિટના જનરલ સેક્રેટરી લોકેટ ચેટર્જી અને અગ્નિમિત્રા પોલ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું એક પ્રતિનિધિમંડળ પણ આજે સંદેશખાલીની મુલાકાત લેશે. માનવાધિકાર પંચે બુધવારે પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યના ડીજીપીને સંદેશખાલી હિંસા પર જવાબ માંગીને નોટિસ પાઠવી હતી.
રાશન કૌભાંડ અને ઈડીની ટીમ પર હુમલાના મામલે ફસાયેલા તૃણમૃલ નેતા શાહજહાં શેખ વિરુદ્ધ ઈડીએ નવો કેસ નોંધ્યો છે. સંદેશખાલીમાં લોકોની જમીન પચાવી પાડવાના મામલે આ કેસ નોંધવામાં આવ્યો છે. સંદેશખાલીના લોકોએ આરોપ લગાવ્યો છે કે શાહજહાં શેખે તેમની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે અને સ્થાનિક મહિલાઓએ પણ તૃણમૃલ નેતાઓ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.