અશ્વિને 30.41ની એવરેજથી 17 વિકેટ લીધી છે, સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે સંયુક્ત રીતે બીજા સ્થાને છે
નવી દિલ્હી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ચાર મેચ પૂર્ણ થઈ ગઈ છે. હવે સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઈંગ્લેન્ડના બેટર જોની બેયરસ્ટો માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. આ ધર્મશાલા ટેસ્ટમાં બંને ખેલાડીઓ ખાસ ‘સદી’ પૂરી કરશે. ધરમશાલા ટેસ્ટ દ્વારા બંને ખેલાડીઓ 100મી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે. અશ્વિન અને બેયરસ્ટોએ અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી છે.
અશ્વિન અને બેયરસ્ટોએ અત્યાર સુધી સીરિઝની છેલ્લી ચાર મેચ રમી છે. જો કે બેયરસ્ટોનું ફોર્મ સારું રહ્યું નથી. પરંતુ બીજી તરફ અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં અશ્વિન ધર્મશાલા ટેસ્ટ રમશે તે લગભગ નિશ્ચિત છે. જો કે ઈંગ્લેન્ડ બેયરસ્ટોને તેની 100મી ટેસ્ટ રમવાની તક આપવા માંગશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની ચાર મેચો બાદ રવિચંદ્રન અશ્વિને 30.41ની એવરેજથી 17 વિકેટ લીધી છે. સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. આ સિવાય તેણે ચારેય ટેસ્ટમાં બેટિંગ દ્વારા પણ યોગદાન આપ્યું છે. બીજી તરફ બેયરસ્ટો ભારત સામે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જોની બેયરસ્ટોએ 4 મેચની 8 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 21.25ની એવરેજથી માત્ર 170 રન બનાવ્યા છે.