39 વર્ષનો મનીષકુમાર દોશી શાહ મુંબઈ અને ન્યૂજર્સી બંને જગ્યાએથી કામ કરતો હતો અને ગયા સપ્તાહાંતમાં તેને પકડી લેવામાં આવ્યો
ન્યૂજર્સી
અમેરિકામાં એક ભારતીય મૂળના જ્વેલરને કરોડો ડોલરના ટ્રેડ ફ્રોડના કેસમાં પકડવામાં આવ્યો છે. મનીષકુમાર કિરણકુમાર દોશી શાહ નામના બિઝનેસમેને કસ્ટમ્સને લગતા મોટા પાયે ગોટાળા કર્યા છે. 39 વર્ષનો મનીષકુમાર દોશી શાહ મુંબઈ અને ન્યૂજર્સી બંને જગ્યાએથી કામ કરતો હતો અને ગયા સપ્તાહાંતમાં તેને પકડી લેવામાં આવ્યો છે. તેને નેવાર્કની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. મનીષ દોશી શાહ પર આરોપ છે કે તે અમેરિકામાં વિદેશથી જ્વેલરી આયાત કરતો હતો અને તેણે કરોડો ડોલરની કસ્ટમ્સ ડ્યૂટીની ચોરી કરી છે. તે ગેરકાયદે રીતે નાણાકીય હેરાફેરીના કેસમાં પણ સંડોવાયેલો છે. અમેરિકન અધિકારીઓનો આરોપ છે કાયદેસરનું લાઈસન્સ ન હોવા છતાં મનીષ દોશી જાત જાતના ધંધા કરતો હતો.
મનીષ દોશી શાહને નેવાર્કની કોર્ટમાં પ્રસ્તુત કરવામાં આવ્યો ત્યાર બાદ તેને એક લાખ ડોલરના બોન્ડ પર છોડી મૂકવામાં આવ્યો છે. તેના પર ષડયંત્ર રચવાનો અને ગેરકાયદે મની ટ્રાન્સફરના બિઝનેસમાં મદદ કરવાનો તથા તેને ટેકો આપવાનો આરોપ લાગ્યો છે.
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે જાન્યુઆરી 2015થી સપ્ટેમ્બર 20203 સુધી મનીષ દોશી શાહે એવી યોજનાઓ ઘડી હતી જેના કારણે ભારત અને તુર્કીથી શિપમેન્ટ લાવવામાં આવતા હતા અને અમેરિકામાં ઘૂસાડવામાં આવતા હતા.
મનીષ દોશી શાહ તુર્કી અથવા ભારતથી અમેરિકા માલ મોકલતો હતો. આ માલ ડાયરેક્ટ અમેરિકા પહોંચાડવાના બદલે સાઉથ કોરિયામાં પોતાની એક કંપની મારફત ડાઈવર્ટ કરતો હતો. આ માલ જો ભારત કે તુર્કીથી ડાયરેક્ટ મોકલવામાં આવે તો તેના પર 5.5 ટકા કસ્ટમ્સ ડ્યૂટી ભરવી પડે તેમ હતું. મનીષ શાહ દોશીએ સાઉથ કોરિયામાં પણ પોતાના માણસો રાખ્યા હતા જેઓ જ્વેલરી પરના લેબલ બદલી નાખતા હતા. તેના પરથી ઓથોરિટીને એવું લાગતુ હતું કે તે જ્વેલરીનું ઉત્પાદન સાઉથ કોરિયામાં કરવામાં આવેલું છે.
ત્યાર બાદ તેને અમેરિકામાં પોતાના કસ્ટમર સુધી પહોંચાડવામાં આવતા હતા. આ રીતે તેને કરોડો રૂપિયાની ટેક્સની બચત થતી હતી. મનીષ કુમાર શાહ દોશીએ એવો સજ્જડ પ્લાન બનાવ્યો હતો કે તેના કસ્ટમરો પણ બનાવટી ઈનવોઈસ બનાવતા હતા અને તેથી ઓથોરિટીને એવું લાગતું હતું કે સાઉથ કેરિયા સ્થિત કંપનીએ તુર્કી અથવા ભારતથી જ્વેલરીનો ઓર્ડર આપ્યો છે.
આ રીતે તેણે સાઉથ કોરિયાથી કરોડો ડોલરની જ્વેલરી અમેરિકા પહોંચાડી હતી. આ કામ માટે તેણે અલગ અલગ બેન્ક એકાઉન્ટ રાખ્યા હતા અને જુદી જદી કંપનીઓ પણ સ્થાપી હતી. મનીશ દોશી શાહ તેના કસ્ટમરો પાસેથી રોકડા ઉઘરાવતો હતો અને તેને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અથવા ચેક તરીકે તેને વટાવતો હતો. અત્યાર સુધીમાં મળેલા ડોક્યુમેન્ટ પરથી સાબિત થાય છે કે મનીષ દોશી શાહ અને તેના માણસોએ એક જ દિવસમાં કરોડો ડોલરની કેશની હેરાફેરી કરી હતી. આ રીતે સર્વિસ આપીને તેઓ એક ફી ઉઘરાવતા હતા અને ગેરકાયદે નાણાંને કાયદેસરમાં રૂપાંતરિત કરતા હતા.